ઉનાના વાંસોજમાં શાક-રોટલો ખાધા બાદ પરિવારની તબિયત લથડી, બાળકીનું મોત

ઉના તાલુકાના વાંસોજ ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. રાત્રિના ભોજનમાં ગુવાર-બટેટાનું શાક અને રોટલો ખાધા બાદ એક જ પરિવારના ત્રણ સભ્યો ની તબિયત…

ઉના તાલુકાના વાંસોજ ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. રાત્રિના ભોજનમાં ગુવાર-બટેટાનું શાક અને રોટલો ખાધા બાદ એક જ પરિવારના ત્રણ સભ્યો ની તબિયત અચાનક લથડી હતી. આ ઘટનામાં બે વર્ષની માસૂમ બાળકી જીનલનું મોત નીપજતાં સમગ્ર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

બીજી તરફ, બાળકીના માતા-પિતા રાજેશભાઈ ભગા ભાઈ કામળિયા, સોનલબેન રાજેશભાઈ કામળિયાની હાલત ગંભીર હોવાથી ઉનાની એપેક્ષ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર આપવામાં આવી રહી છે. તબીબોએ પ્રાથમિક તપાસમાં ફૂડ પોઇઝનિંગ ની આશંકા વ્યક્ત કરી છે, જોકે મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે.

વાંસોજ ગામના રાજેશભાઈ કામળિયા, તેમનાં પત્ની સોનલબેન અને તેમની બે વર્ષ ની પુત્રી જીનલે ગત રાત્રે ગુવાર-બટેટાનું શાક રોટલો ખાધો હતો. ભોજન લીધા બાદ ત્રણેયને ઊલટીઓ થવા લાગી હતી, જેના કારણે પરિવારજનો ચિંતિત બન્યા હતા. શરૂૂઆતમાં ગામમાંથી પ્રાથમિક દવા લેવા માં આવી હતી, પરંતુ તબિયતમાં સુધારો થવાને બદલે સવારે વધુ બગાડો થતાં ત્રણેયને 108 એમ્બ્યુલન્સ મારફતે ઉનાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.મૃતક બાળકી જીનલના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે જામનગર ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને અન્ય તપાસ નાં તારણો બાદ જ મોત પાછળનું સાચું કારણ જાણી શકાશે.

પરિવાર માટે આ ઘટના અસહ્ય આઘાત સમાન બની છે. જે ઘરમાં બે વર્ષની માસૂમ દીકરીની કિલકારીઓ ગુંજતી હતી, ત્યાં અચાનક શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. એકની એક દીકરી ગુમાવનાર માતા સોનલબેન સારવાર હેઠળ છે અને દીકરીના વિયોગના આઘાત વચ્ચે તેઓ કંઈ બોલી પણ શકતાં ન હોવાનું જાણવા મળ્યું છે. તેમની આંખોમાંથી વહેતાં આંસુ પરિવાર પર આવી પડેલી કરુણ પરિસ્થિતિની વેદના વ્યક્ત કરી રહ્યાં છે.
એપેક્ષ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના બાળરોગ નિષ્ણાત ડો. રજનીકાંત જાલોધરાના જણાવ્યા અનુસાર, બે વર્ષની જીનલ કામળિયાને સવારે આશરે 10 વાગ્યે 108 એમ્બ્યુલન્સ મારફતે ઇમરજન્સી વિભાગમાં લાવવામાં આવી હતી. જોકે, હોસ્પિટલ પહોંચતી વખતે બાળકી મૃત હાલતમાં હતી. પરિવારજનો પાસેથી પ્રાથમિક વિગતો મેળવવામાં આવી હતી. બાળકીનાં માતા-પિતાને પણ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં હતાં.

હોસ્પિટલના તબીબ ડો. જી.એમ. કલસરિયાના જણાવ્યા મુજબ, રાજેશભાઈ અને સોનલબેન કામળિયાની સારવાર દરમિયાન કરવામાં આવેલી પ્રાથમિક તપાસ અને મેડિકલ રિપોર્ટના આધારે ફૂડ પોઇઝનિંગની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

મૃતક બાળકી જીનલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જામનગર ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. વાંસોજ ગામમાં બનેલી આ ઘટનાથી અરેરાટી વ્યાપી ગઈ છે. હાલ માતા-પિતાની સારવાર ચાલી રહી છે અને બાળકીના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ સહિતની તપાસના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.