ગુજરાત
વીંછિયાના ઓરી ગામે જૂની અદાવતમાં દંપતી ઉપર કૌટુંબિક પરિવારનો હુમલો
કાલાવડના મછલીવાડમાં યુવાને ગાળો બોલવાની ના પાડતા બે અજાણ્યા શખ્સોએ માર માર્યો
વિછિંયા તાલુકાના ઓરી ગામે જૂની અદાવતમાં દંપતિ ઉપર કૌટુંબીક પરિવારે હુમલો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા દંપતિને સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વિછિયાના ઓરી ગામે રહેતી કાજલબેન મહેશભાઈ પાટડિયા (ઉ.વ.30) અને મહેશ પ્રેમજીભાઈ પાટડિયા (ઉ.વ.35) સાંજના પાંચેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે કૌટુંબીક રમેશ ખીમાભાઈ પાટડિયા તેના પુત્ર વનરાજ, પંકજ, ભરત અને રંભાબેન નામના શખ્સોએ ઝઘડો કરી પથ્થરમારો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા કાજલબેન પાટડિયાને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં ઈજાગ્રસ્ત અને હુમલાખોર કૌટુંબીક ભાઈઓ થાય છે.
બે દિવસ પૂર્વે બકરાના ચારા પ્રશ્ર્ને મહિલાઓ વચ્ચે થયેલા ઝઘડાની અદાવતમાં હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે.આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં કાલાવડમાં આવેલા કુમનાથ પ્લોટમાં રહેતો કિશન છગનભાઈ સોઢા નામનો 25 વર્ષનો યુવાન કાલાવડ તાબાના મછલીવડ ગામે વાડી વિસ્તારમાં હતો ત્યારે અજાણ્યા શખ્સોએ ગાળો ભાંડી હતી. જેથી કિશન સોઢાએ ગાળો બોલવાની ના પાડતા અજાણ્યા શક્સોએ ઉશ્કેરાઈ જઈ કિશન સોઢા પર હુમલો કરી પાવડાના હાથા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે રાજકોટ સ્વિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઉપરોક્ત બન્ને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.