Site icon Gujarat Mirror

મોરબી રોડ શ્રી પાર્કમાં નકલી તમાકુ બનાવવાનું કારખાનુ પકડાયું

કંપનીના મેનેજરની ફરિયાદને આધારે ક્રાઇમ બ્રાંચનો દરોડો બાગબાન તમાકુના ડબ્બા સહિત 84 હજારનો મુદ્દામાલ કબજે

શહેરના મોરબી રોડ ઉપર આવેલ શ્રી પાર્ક સોસાયટીના એક મકાનમાં બાગબાન કંપનીની નકલી તંબાકુ બનાવતું કારખાનું ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યું હતું. બ્રાન્ડેડ બાગબાન પાન મસાલાના નામે નકલી પેકિંગ કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવાનું અને કંપની સાથે છેતરપિંડી કરવાનું મોટું કૌભાંડ ઝડપાયું છે. પોલીસે દરોડો પાડીને નકલી પાન મસાલા, પેકિંગ મશીનરી અને કાચો માલ મળી રૂ.80 હજારનો મુદ્દામાલ જપ્ત કરી એક ની ધરપકડ કરી છે.

અમદાવાદમાં ’એમ. ફોર.યુ. ઈન્ટલેચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ સર્વિસીસ’ કંપનીમાં પ્રોપરાઈટર તરીકે કાર્યરત હિરેનભાઈ મુકેશભાઈ પટેલે રાજકોટ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેઓની કંપની પાસે ઉર્મીન પ્રોડક્ટ્સ પ્રા. લી. (બાગબાન 138 તમાકુ) તરફથી કોપીરાઈટ અને ટ્રેડમાર્ક ભંગ સામે કાર્યવાહી કરવાની સત્તા છે. તેમને બાતમી મળી હતી કે રાજકોટમાં જયેશભાઈ શિંગાળા નામનો વ્યક્તિ ભાડાના મકાનમાં ગેરકાયદેસર રીતે બાગબાન બ્રાન્ડના નામે પેકેજિંગ કરી રહ્યો છે.

ક્રાઈમ બ્રાંચના પી.આઈ. એમ.આર.ગોંડલીયા,એમ.એલ.ડામોર અને સી.એચ.જાદવના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.ડી.ડોડીયા અને તેમની ટીમે શ્રી પાર્ક સોસાયટીમાં મકાન પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન જયેશભાઈ મથુરભાઈ શિંગાળા (ઉ.વ. 50) નામનો શખ્સ રંગેહાથ ઝડપાઈ ગયો હતો. તે ઓરીજનલ બાગબાન તમાકુમાં હલકી ગુણવત્તાની તમાકુ મિક્સ કરી, મશીનો દ્વારા ફરીથી પેક કરીને બજારમાં વેચવાનું કામ કરતો હતો.સ્થળ પરથી અંદાજે રૂ. 84,050 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં બાગબાન 138 બ્રાન્ડના ખાલી અને ભરેલા પાઉચ તથા ટીન (ડબ્બા), દાજે 3 કિલો મિક્સ અને લુઝ તમાકુ, ટીન પેકિંગ કરવાનું ઓટોમેટીક ઇલેક્ટ્રિક મશીન અને હીટીંગ મશીન, ઇલેક્ટ્રિક વજન કાંટો અને કંપનીના નામની ટેપ પટ્ટીઓ.
જયેશ શિંગાળા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 318(4) તેમજ ધી કોપીરાઈટ એક્ટ-1957 ની કલમ 63, 64, 65 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ નકલી માલ ક્યાં-ક્યાં સપ્લાય કરવામાં આવતો હતો અને આમાં અન્ય કોઈ લોકો સામેલ છે કે કેમ. પોલીસ કાર્યવાહી દરમિયાન ઘટનાસ્થળેથી પેકિંગ માટેના ઓટોમેટિક મશીનો, મોટી માત્રામાં ડુપ્લીકેટ પાઉચ (રેપર), પાન મસાલા બનાવવાનો કાચો માલ અને તૈયાર કરવામાં આવેલા નકલી પાન મસાલાના બોક્સ મળી આવ્યા છે. પોલીસે કોપીરાઈટ ભંગ અને છેતરપિંડીના આરોપ હેઠળ મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version