PM મોદીના નામે 8000ની દિવાળી ભેટના ફેક મેસેજ, સાયબર પોલીસની ચેતવણી

વડાપ્રધાન મોદીના નામે 8,000 રૂૂપિયાની દિવાળી ભેટ આપવામાં આવી રહી હોવાનો દાવો કરતો એક નવો જ સાયબર ફ્રોડ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.…

વડાપ્રધાન મોદીના નામે 8,000 રૂૂપિયાની દિવાળી ભેટ આપવામાં આવી રહી હોવાનો દાવો કરતો એક નવો જ સાયબર ફ્રોડ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વોટ્સએપ અને અન્ય પ્લેટફોર્મ પર મોટા પ્રમાણમાં ફેલાઈ રહેલા આ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પીએમ મોદી દરેક નાગરિકને આર્થિક સહાય કે બોનસ આપી રહ્યા છે. આ મામલે ગુજરાત પોલીસ અને સાયબર ક્રાઇમ બ્રાન્ચે કડક ચેતવણી જારી કરીને સ્પષ્ટ કર્યું છે કે સરકાર દ્વારા આવી કોઈ જ યોજના જાહેર કરવામાં આવી નથી અને આ સંપૂર્ણપણે એક સાયબર ઠગાઈ અથવા ફિશિંગ સ્કેમ છે.

સાયબર અપરાધીઓ તહેવારોની મોસમનો લાભ લઈને લોકો સાથે છેતરપિંડી કરવા માટે આ રીતની સોશિયલ મીડિયા મોસ ચલાવી રહ્યા છે, જેમાં યુઝર્સને વોટ્સએપ કે ટેલિગ્રામ પર એક મેસેજ મળે છે કે પીએમ મોદી દરેક નાગરિકને 8,000 રૂૂપિયા આપી રહ્યા છે. આ મેસેજમાં આપેલી લિંક પર ક્લિક કરવાથી એક નકલી વેબસાઇટ ખુલે છે, જ્યાં તમારો નંબર લકી ડ્રો માટે પસંદ થયાનું જણાવીને આ મેસેજ અન્ય પાંચ વોટ્સએપ ગ્રુપ કે વીસ મિત્રોને મોકલવાનું કહેવામાં આવે છે જેથી લિંક વધુ ફેલાય. પ્રક્રિયા આગળ વધતા સ્ક્રીન પર આંકડાનો એક કનેક્શન કોડ દેખાય છે અને ઠગો યુઝર્સને વોટ્સએપ સેટિંગ્સમાં જઈને ’લિંક્ડ ડિવાઈસેસ’માં આ કોડ નાખવા સૂચવે છે, જેનાથી પીડિતનું વોટ્સએપ અકાઉન્ટ હેકર્સના અનધિકૃત ડિવાઈસ સાથે જોડાઈ જાય છે અને તેઓ અકાઉન્ટ પર પૂરો કાબૂ મેળવી લે છે. કેટલાક કેસોમાં ઠગો ફોનપે અથવા અન્ય એપ કે એપીકે ફાઇલ ડાઉનલોડ કરવાનું કહીને મોબાઈલના ઓટીપી, એસ એમ એસ અને બેંકિંગ ડેટાની ચોરી કરે છે, જેનાથી ખાતામાંથી નાણાં સેરવાઈ જવાનું મોટું જોખમ રહે છે.

આ સાયબર ફ્રોડથી બચવા માટે સાયબર ક્રાઇમ બ્રાન્ચે સલાહ આપી છે કે કોઈપણ શંકાસ્પદ કે અજાણ્યા સ્ત્રોતમાંથી આવેલા મેસેજ અને તેની લિંકને ખોલશો નહીં કે આગળ ફોરવર્ડ કરશો નહીં અને તમારી બેંક વિગતો, ઓટીપી કે વોટ્સએપ કનેક્શન કોડ ક્યારેય કોઈની સાથે શેર ન કરો. જો ભૂલથી કોઈ અજાણ્યા ડિવાઈસ સાથે અકાઉન્ટ લિંક થઈ ગયું હોય, તો તુરંત જ લોગ-આઉટ કરો અને ટેલિગ્રામ કે વોટ્સએપમાં ’ટૂ-સ્ટેપ વેરીફિકેશન’ સક્રિય કરો. જો તમે કોઈ સાયબર ઠગાઈનો ભોગ બન્યા છો, તો તુરંત જ રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરો અથવા અધિકૃત વેબસાઇટ ભુબયભિશિળય.લજ્ઞદ.શક્ષ પર તમારી ફરિયાદ નોંધાવો.