થાનગઢના ખનીજ માફિયાઓ બે સગા બંધુ સહિત ત્રણ શખ્સો સામે તડીપારની કાર્યવાહી

મજૂરોના જીવ જોખમમાં મુકી, સરકારી તિજોરી લૂંટતા ભૂમાફિયાઓ પર તંત્રની લાલ આંખ ચોટીલા ડિવિઝન હેઠળના થાનગઢ તાલુકામાં લાંબા સમયથી ગેરકાયદેસર અને જોખમી રીતે કોલસા તેમજ…

મજૂરોના જીવ જોખમમાં મુકી, સરકારી તિજોરી લૂંટતા ભૂમાફિયાઓ પર તંત્રની લાલ આંખ

ચોટીલા ડિવિઝન હેઠળના થાનગઢ તાલુકામાં લાંબા સમયથી ગેરકાયદેસર અને જોખમી રીતે કોલસા તેમજ સફેદ માટીનું ખનન કરતા ખનિજ માફિયાઓ સામે પ્રશાસને કડક વલણ અપનાવ્યું છે. નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) ચોટીલા, એચ. ટી. મકવાણા નાઓ દ્વારા જામવાળી ગામના ત્રણ રીઢા ખનિજ માફિયાઓ સામે તડીપારની (હદપાર) કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ વિઠ્ઠલભાઇ જાગાભાઇ અલગોતર (રહે. જામવાળી, તા. થાનગઢ), રાહુલભાઇ જાગાભાઇ અલગોતર (રહે. જામવાળી, તા. થાનગઢ), રણુભાઇ દાનાભાઇ અલગોતર (રહે. જામવાળી, તા. થાનગઢ) સામે તડીપારની કાર્યવાહી કરાઈ છે.

આ ખનિજ માફિયાઓ દ્વારા થાનગઢ તાલુકામાં કોઈપણ પ્રકારની સરકારી ગાઈડલાઈન વિના, સંપૂર્ણપણે પ્રતિબંધિત એવા 160 ફૂટ ઊંડા વર્ટીકલ ‘રેબિટ હોલ’ (સાંકડા કુવાઓ) ગાળીને ભૂગર્ભ ખનન (Underground Mining) કરવામાં આવતું હતું. કોલસાના લેઅર સુધી પહોંચવા માટે સુપર પાવર-90 અને જિલેટીન જેવા ખતરનાક વિસ્ફોટકોનો આડેધડ ઉપયોગ કરીને હોરીઝોન્ટલ (આડી) સુરંગો બનાવવામાં આવતી હતી. આ સુરંગોની અંદર મિની ટ્રેક્ટર લઈ જઈને પરપ્રાંતિય અને સ્થાનિક મજૂરોના જીવના જોખમે ગેરકાયદેસર ખનન ચાલતું હતું.

પ્રચંડ બ્લાસ્ટિંગના કારણે આજુબાજુના ઘરો, શાળાઓ, આંગણવાડીઓ અને વીજળીના થાંભલા જેવી સરકારી-ખાનગી મિલકતોમાં તિરાડો પડી ગઈ છે. રાત-દિવસ થતા ધડાકાઓને કારણે સ્થાનિક રહીશોની ઊંઘ હરામ થઈ ગઈ છે અને પર્યાવરણને વ્યાપક નુકસાન થયું છે.

જીવલેણ અકસ્માતો:આ અગાઉ પણ સુરક્ષાના સાધનોના અભાવે ખાણો ધસી પડવાથી Collapse), ઓક્સિજનની અછત કે ઝેરી ગેસના કારણે મજૂરોના મોતના બનાવો બન્યા છે. તેમજ આ ખુલ્લા કૂવાઓમાં અવારનવાર વન્ય પ્રાણીઓ અને પશુઓ ખાબકવાના બનાવો પણ બને છે.

આ ખનિજ ચોરી દુર્ગમ વિસ્તારોમાં થતી હોવાથી, તપાસ ટીમો અચાનક દરોડા ન પાડી શકે તે માટે માફિયાઓ રસ્તા પર કાંટા, મોટા પથ્થરો અને માટીના પાળા બનાવીને રસ્તાઓ બ્લોક કરી દેતા હતા. અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં તેઓ નાસી છૂટતા અને કેટલીકવાર ટોળું એકઠું કરી ઉશ્કેરણીજનક વાતાવરણ ઊભું કરીને કાયદો-વ્યવસ્થા ખોરવવાનો પ્રયાસ કરતા હતા.સરકારી તિજોરીને કરોડો રૂૂપિયાનું નુકસાન પહોંચાડતી આ પ્રવૃત્તિને ડામવા માટે એસ.ડી.એમ. કોર્ટ દ્વારા આ ત્રણેય ઇસમોને સાંભળવા તથા પુરાવા રજૂ કરવા માટે તારીખ 19/05/2026 ના રોજ મુદત રાખવામાં આવી હતી, જેમાં આરોપીઓ હાજર રહીને પોતાની રજૂઆત કરી છે. હવે આ અંગે વધુ સુનાવણી હાથ ધરીને ટૂંક સમયમાં જ આખરી મુદત મુકરર કરી કાયદાના દાયરામાં કડક આખરી કાર્યવાહી (તડીપારનો આદેશ) કરવામાં આવશે.