જામનગર મહાનગરપાલિકાના કમિશનર દિપેશ કેડિયાના માર્ગદર્શન હેઠળ શહેરમાં નાગરિકોને સ્વચ્છ, સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો મળી રહે તે હેતુથી ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં સઘન તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. અભિયાન દરમિયાન ફાસ્ટ ફૂડ, ફરસાણ, હોટલ, રેસ્ટોરન્ટ, નોનવેજ શોપ, આઈસ ફેક્ટરી અને પાનના ગલ્લાઓ સહિત અનેક સ્થળોએ તપાસ કરી નિયમભંગ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
ફૂડ સેફ્ટી ઓફિસરની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ફરસાણ અને ફાસ્ટ ફૂડના 71 વેપારીઓની તપાસ કરી હતી. આ દરમિયાન વપરાશ માટે અયોગ્ય બનેલું 45 કિલો ખાદ્ય તેલ, 15 કિલો પ્રિન્ટેડ પસ્તી તથા 25 કિલો વાસી અખાદ્ય જથ્થો, કે જેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. વેપારીઓને પ્રિન્ટેડ પસ્તીનો ઉપયોગ ન કરવા તેમજ સ્વચ્છતા જાળવવા કડક સૂચના પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત હોટલ, રેસ્ટોરન્ટ, ફરસાણ અને નોનવેજ શોપ સહિત 13 પેઢીઓની તપાસ દરમિયાન 50 કિલો વાસી અખાદ્ય જથ્થો અનહાઈજેનિક સ્થિતિમાં મળી આવતા તેનો પણ સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. સાથે જ 4 આઈસ ફેક્ટરીઓમાં તપાસ કરી સ્વચ્છતા જાળવવા, હાઈજેનિક સ્થિતિ જાળવવા અને નિયમિત ક્લોરીનેશન કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી.
પાણાખાણ વિસ્તારમાં આવેલી નોનવેજ ની 7 પેઢીઓમાં રૂૂબરૂૂ તપાસ દરમિયાન સ્વચ્છતા, લાલ પડદો લગાવવો, કટિંગનું બિલ જાળવવું અને ઘન કચરાનો યોગ્ય નિકાલ કરવાના નિયમોના ભંગ બદલ રૂૂ. 14,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
ઓનલાઈન ફરિયાદના આધારે શરુ સેકશન રોડ પર આવેલી શ્રી સાંઈ બેકર્સમાં તપાસ દરમિયાન એક્સપાયરી ડેટના 24 પેકેટ મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત ભવિષ્યમાં આવી બેદરકારી ન થાય તે માટે સંચાલકને રૂૂ. 5,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
તા. 12 અને 13 જુલાઈ, 2026 દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના જામનગર પ્રવાસ દરમિયાન મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા એરપોર્ટ, ધીરુભાઈ અંબાણી ચેમ્બર ઓફ કોમર્સ અને એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે વીવીઆઈપી ડ્યુટી નિભાવી હતી. આ દરમિયાન ખાદ્ય પદાર્થોના સર્વેલન્સ માટે નમૂનાઓ પણ લેવામાં આવ્યા હતા.
મુલ્લા મેડી વિસ્તારમાં આવેલી ન્યુ બહાર પાન હાઉસમાં ઓનલાઈન ફરિયાદના આધારે તપાસ કરતાં સ્વચ્છતા જાળવવા નોટિસ આપવામાં આવી હતી. ઉપરાંત પાનની ચટણી અને કાથાના 2 નમૂનાઓ લઈ ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. ફૂડ વિભાગે વધુમાં જણાવ્યું છે કે ઓનલાઈન, ઓફલાઈન, રૂૂબરૂૂ અને ટેલિફોન દ્વારા મળતી ફરિયાદોના ત્વરિત નિકાલ માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં પણ શહેરભરમાં આવા સઘન ચેકિંગ અભિયાન ચાલુ રહેશે અને ખાદ્ય સુરક્ષાના નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
