રાજકોટના સુકાનીઓની પસંદગી માટે કવાયત શરૂ, રાત્રે સંકલનની બેઠક, બુધવારથી ભાજપ પાર્લામેન્ટરી

રાજકોટ મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન તથા શાસક પક્ષના નેતા અને દંડકની નિમણૂંક માટે સત્તાધારી પક્ષ ભાજપમાં સેન્સપ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે પ્રદેશ…

રાજકોટ મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન તથા શાસક પક્ષના નેતા અને દંડકની નિમણૂંક માટે સત્તાધારી પક્ષ ભાજપમાં સેન્સપ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે પ્રદેશ કક્ષાએ આખરી પસંદગીનો ધમધમાટ શરૂ થયો છે અને આગામી તા.6ને બુધવારથી ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાનાર છે તે પહેલા આજે ગાંધીનગર ખાતે રાજકોટના સુકાનીઓ નક્કી કરવા ભાજપની સંકલનની બેઠક યોજાનાર છે અને આ માટે શહેર ભાજપના હોદ્દેદારો, ધારાસભ્યો અને સાંસદોને ગાંધીનગરનું તેડું આવ્યું છે.

મળતી માહિતી મુજબ આજે રાત્રે 9 વાગ્યે ગાંધીનગર ખાતે રાજકોટના પ્રભારીમંત્રી જીતુભાઈ વાઘાણીના નિવાસસ્થાને રાજકોટ મહાનગરપાલિકાના સુકાનીઓ નક્કી કરવા સંકલન સમિતિની બેઠક યોજાનાર છે.
આ બેઠકમાં રાજકોટનાં ત્રણ નિરિક્ષકો ઉપરાંત બન્ને સંસદસભ્યો, ચારેય ધારાસભ્યો, શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, ત્રણેય મહામંત્રી તેમજ સંગઠન પ્રભારી અનિરૂધ્ધ દવે ઉપસ્થિત રહેનાર છે.

બેઠકમાં મેયર, સ્ટેન્ડીંગ ચેરમેન, ડેપ્યુટી મેયર, દંડ અને શાસકપક્ષના નેતા પદ માટેના નામોની ચર્ચા થશે અને એક જ નામ ફાઈનલ કરવાના બદલે ત્રણ ત્રણ નામોની અને પેનલો બનાવી ભાજપની પ્રદેશ ચૂંટણી સમિતિમાં મુકવામાં આવશે. ખાસ કરીને મેયર અને સ્ટેન્ડીંગ ચેરમેનપદ માટે વધુ દાવેદારો હોવાથી જરૂર પડે તો આ બે પદ માટે પાંચ પાંચ નામોની પેનલ બનાવવામાં આવનાર છે. આ પેનલોના આધારે ભાજપની ચૂંટણી સમિતિની બેઠકમાં આખરી નિર્ણય લેવામાં આવશે.