Site icon Gujarat Mirror

સગીરા પર દુષ્કર્મ કેસમાં દાખલારૂપ ચુકાદો, ધોરાજીની પોકસો કોર્ટે દિવ્યાંગ દોષિતને 20 વર્ષની સજા ફટકારી

રાજકોટ ગ્રામ્યના ભાયાવદર પોલીસ મથકમાં નોંધાયેલા દુષ્કર્મના એક ચોંકાવનારા કેસમાં ધોરાજીની સ્પેશિયલ પોક્સો કોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. ત્રીજા એડિશનલ સેશન્સ જજ અને સ્પેશિયલ જજ (પોક્સો) અલીહુસેન મોહીબુલ્લાહ શેખે 90 ટકા દિવ્યાંગ આરોપી સુરેશ દલસીંગ માવીને તકસીરવાન ઠરાવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. કોર્ટે આ ચુકાદા દ્વારા સ્પષ્ટ કર્યું છે કે શારીરિક અક્ષમતા ગુનાની ગંભીરતાને ઓછી કરી શકતી નથી.

જૂન 2025માં ભાયાવદર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, આરોપી સુરેશ માવીએ 15 વર્ષ અને 9 માસની સગીરાને પ્રેમની જાળમાં ફસાવી હતી. સગીરા જ્યારે સ્કૂલે જતી ત્યારે આરોપીએ ચિઠ્ઠી આપી તેને લલચાવી ફોસલાવી હતી અને ત્યારબાદ લગ્નની લાલચ આપી વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયો હતો. આરોપી સગીરાને જૂનાગઢ અને ત્યારબાદ અમદાવાદ લઈ ગયો હતો, જ્યાં તેની મરજી વિરુદ્ધ અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ ગુનામાં સુનીલ હીમસીંગ માવી નામના શખ્સે પણ મદદગારી કરી હતી, જે હાલ પોલીસ પકડથી દૂર છે.

ટ્રાયલ દરમિયાન બચાવ પક્ષે એવી દલીલ કરી હતી કે આરોપી બંને પગે 90 ટકા દિવ્યાંગ હોવાથી તે શારીરિક રીતે અસક્ષમ છે અને કોઈ બળજબરી કરી શકે તેમ નથી. જોકે, સરકારી વકીલ કાર્તિકેય પારેખે તબીબી પુરાવા રજૂ કરતા ધારદાર દલીલ કરી હતી કે શારીરિક સંભોગ એ માત્ર શારીરિક નહીં પણ માનસિક પ્રક્રિયા પણ છે. મેડિકલ રિપોર્ટ મુજબ આરોપી શારીરિક સંબંધ બાંધવા સક્ષમ હતો અને તેના વીર્યના નમૂના પણ મળી આવ્યા હતા. કોર્ટે નોંધ્યું હતું કે પીડિતા સગીર હોવાથી તેની સંમતિ કાયદેસર રીતે માન્ય ગણી શકાય નહીં.

કોર્ટે આરોપી સુરેશ માવીને ભારતીય ન્યાય સંહિતા (BNS) અને પોક્સો એક્ટની કલમ-6 હેઠળ દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદ અને રૂૂ. 5,000ના દંડની સજા ફટકારી છે. આ ઉપરાંત, પીડિતાને થયેલા ગંભીર માનસિક આઘાત અને પુનર્વસન માટે ગુજરાત સરકારની વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ રૂૂ. 7,00,000 (સાત લાખ) વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. ભાયાવદર પોલીસના ઇન્સ્પેક્ટર વી.સી. પરમાર અને તેમની ટીમે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી જે ઝડપી તપાસ કરી હતી તેની પણ નોંધ લેવામાં આવી હતી.

Exit mobile version