19 લાખની આંગડિયા લૂંટના આરોપીને પકડવા ગયેલ ક્રાઈમ બ્રાંચની ટીમ અને ગેંગસ્ટર વચ્ચે ફાયરિંગ

શહેરમાં સંતકબીર રોડ ઉપર આવેલ પ્રાઈમ આંગડીયા પેઢીમાં થયેલી રૂૂ.19 લાખની આંગડિયા લૂંટના ગુનામાં ફરાર સુત્રધાર સહીત બે શખ્સોને ક્રાઈમ બ્રાન્ચની ટીમે મથુરાથી ઝડપી રાજકોટ…

શહેરમાં સંતકબીર રોડ ઉપર આવેલ પ્રાઈમ આંગડીયા પેઢીમાં થયેલી રૂૂ.19 લાખની આંગડિયા લૂંટના ગુનામાં ફરાર સુત્રધાર સહીત બે શખ્સોને ક્રાઈમ બ્રાન્ચની ટીમે મથુરાથી ઝડપી રાજકોટ લાવી બન્નેના રિમાન્ડ મેળવી વાળું પુછપરછ શરૂૂ કરી છે. ઉત્તરપ્રદેશના બે ખૂંખાર ગેંગસ્ટરોને ક્રાઈમ બ્રાન્ચની ટીમે આગ્રાથી ઝડપી પાડ્યા ત્યારે પોલીસ ટીમ અને બન્ને ગેંગસ્ટર વચ્ચે ફાયરીંગ થયા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગત તા. 30 જુલાઈના રોજ સવારના સમયે સંતકબીર રોડ ઉપર આવેલ પ્રાઈમ એન્ટરપ્રાઈઝ આંગડિયા પેઢીના કર્મચારી અલ્કેશ દવે (ઉં.વ. 46)ને લૂંટારુઓએ બંધુક બતાવીને ધમકાવ્યા હતા અને રૂૂ. 19 લાખની રોકડ રકમની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ ઘટના અંગે રાજકોટના બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આંગડિયા લૂંટની તપાસ દરમિયાન આરોપીઓની પૂછપરછમાં ઉત્તરપ્રદેશના આશમહંમદ ઉર્ફે આશુ અયુબ કુરેશી (ઉં.વ. 35) અને વિજય સુરેશચંદ્ર (ઉં.વ. 26)ના નામ ખૂલ્યા હતા. બંને આરોપીઓ અત્યંત રીઢા ગુનેગાર હોવાથી પોલીસની નજર અને ટ્રેકિંગથી બચવા માટે પોતાની સાથે મોબાઈલ ફોન પણ રાખતા ન હતા.

મોબાઈલ ન વાપરવાની તેમની આ કાર્યપદ્ધતિને કારણે તેઓ લાંબા સમય સુધી પોલીસ પકડથી દૂર રહ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચની ટીમો આરોપીઓને પકડવા માટે સતત શોધખોળમાં લાગેલી હતી. આખરે ચોક્કસ માહિતીના આધારે પીએસઆઈ એસ. એમ. રાણા સહિતની ટીમે ઉત્તરપ્રદેશના આગ્રા ખાતેથી બંને ગેંગસ્ટરોને દબોચી લીધા હતા. ઉત્તરપ્રદેશના બે ખૂંખાર ગેંગસ્ટરોને ક્રાઈમ બ્રાન્ચની ટીમે આગ્રાથી ઝડપી પાડ્યા ત્યારે પોલીસ ટીમ અને બન્ને ગેંગસ્ટર વચ્ચે ફાયરીંગ થયા હતા. ફરાર મુખ્ય બે આરોપી આશમહમદ ઉર્ફે આંસુ ઉર્ફે આસ અયુબ કુરેશી અને વિજયકુમાર સુરેશચંદ્રની આજે 116 દિવસ બાદ ધરપકડ કરવામાં આવી છે.

ઝડપાયેલા બંને આરોપીઓ સામે કુલ 30 જેટલા ગંભીર ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. તેમાં આરોપી આશમહંમદ ઉર્ફે આશુ વિરુદ્ધ અત્યાર સુધીમાં હત્યાના 3 ગુના, હત્યાની કોશિશના ગુના, બંધુક બતાવી લૂંટ ચલાવવા અંગેના 18 ગુના તેમજ ગેંગસ્ટર એક્ટ હેઠળ 2 ગુના મળી કુલ 23 ગુના નોંધાયેલા છે. જ્યારે અન્ય આરોપી વિજય વિરુદ્ધ ખૂન, ખૂનની કોશિશ અને આર્મ્સ એક્ટ સહિત 6 ગુના નોંધાયા છે અને તેની સામે પણ એક વખત ગેંગસ્ટર એક્ટ હેઠળ કાર્યવાહી નોંધાઈ ચૂકી છે.

ક્રાઈમ બ્રાંચના એસીપી ભરત બસિયાની સુચનાથી પી.આઈ એ.એસ.ચાવડા,એમ.એલ.ડામોર અને સી.એચ.જાદવના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.એમ.રાણા અને તેમની ટીમે કામગીરી કરી હતી.