ગુજરાત

EVનો ભ્રમ તૂટ્યો?, તહેવારોમાં માત્ર 1 ઈલે. કારનું વેચાણ

Published

on

રાજકોટ શહેરમાં નવરાત્રી-દશેરાના 10 દિવસમાં પેટ્રોલ-ડિઝલ-સીએનજીની 303 કાર વેચાઈ, ઈલેક્ટ્રિક કારમાં ધબાયનમ:

2600થી વધુ નવા ટૂ-વ્હિલર પણ શહેરના રસ્તાઓ ઉપર ઉતર્યા

રાજકોટ શહેરમાં એક તરફ ટ્રાફિક સમસ્યા દિવસેને દિવસે વકરતી જાય છે. બીજી તરફ દર વર્ષે હજારોની સંખ્યામાં નવા વાહનો છુટી રહ્યા છે. શહેરમાં નવરાત્રી અને દસેરાના માત્ર દસ જ દિવસમાં રૂા. 58.78 કરોડની કિંમતના 2966 નવા વાહનોનું વેચાણ થયું છે. જ્યારે મહાનગરપાલિકાને વ્હીકલ ટેક્સ પેટે રૂા. 1.16 કરોડની આવક થઈ છે.


દેશભરમાં ઈલેક્ટ્રિક વાહનોને કેન્દ્ર અને રાજ્ય સરકારો અને પ્રોત્સાહનો આપી રહ્યા છે. અને મસમોટી સબસીડીઓ પણ આપે છે. આમ છતાં ઈલેક્ટ્રીક કારથી લોકોનો મોહભંગ થયો હોય તેમ તહેવારોના 10 દિવસમાં 304 કારનું વેચાણ થયું છે. તેમાંથી ઈલેક્ટ્રીક કાર માત્ર એક જ વેંચાઈ છે.


શુભ મુહુર્તના આ દસ દિવસ દરમિયાન 21.80 કરોડની કિંમતના 2468 ટુ વ્હિલર વાહનો વેચાયા છે જેમાં પેટ્રોલથી ચાલતા 2461 અને સીએનજીથી ચાલતા 25 વાહનોનો સમાવેશ થાય છે. જ્યારે 130 જેટલા પેટ્રોલ-ડિઝલ અને સીએનજીથી ચાલતા થ્રી-વ્હીલ વાહનોનું વેચાણ થયું છે.


આ ઉપરાંત 348 ફોરવ્હીલર વાહનો વેચાઈને શહેરના રસ્તાઓ ઉપર ઉતર્યા છે. મહાનગરપાલિકાએ તા. 3થી 12 ઓક્ટોબર સુધી જાહેર કરેલા આંકડા મુજબ આ દસ દિવસ દરમિયાન છોટાહાથી જેવા કુલ 39 લાઈટ કોમર્શીયલ વાહનોનું વેચાણ થયું છે. જેમાં સીએનજી 20, ડિઝલના 18 અને એક પેટ્રલો વાહનનો સમાવેશ થાય છે.


જ્યારે 304 જેટલી કારનું વેચાણ થયું છે. જેમાં સૌથી વધુ 141 પેટ્રોલ કાર વેચાઈ છે. જ્યારે સીએનજીથી ચાલતી 133, ડિઝલથી ચાલતી 29 કાર વેચાઈ છે. સૌથી આશ્ર્ચર્યની વાત એ છે કે, ઈલેક્ટ્રિક વાહનોના જમાનામાં ઈલેક્ટ્રિક કાર માત્ર એક જ વેચાઈ છે.આ સિવાય સાત હેવી ફોર વ્હીલર વાહનો વેચાયા છે. તેમાં ડિઝલથી ચાલતા છ અને સીએનજીથી ચાલતા એક વાહનનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version