ગુજરાત

યાત્રાધામ દ્વારકામાં દીપોત્સવી પર્વ દરમિયાન પણ આખલાનો ત્રાસ યથાવત : તંત્ર સામે પ્રજામાં ભારે આક્રોશ

Published

on

હજારો ભાવિકોએ શાણપણ બતાવી આખલાને ભીડમાંથી કર્યો દૂર

યાત્રાધામ દ્વારકામાં તહેવારો દરમિયાન લાખો લોકો ઉમટી પડે છે, આ સમયે ભાવિકોની સુરક્ષા અને સલામતી સૌથી મોટો મુદ્દો બની રહે છે, પરંતુ પાલિકા સહિતના તંત્રો કયારેય પણ ભીડને સુવિધાઓ પૂરી પાડવામાં સક્ષમ સાબિત થતાં નથી. ટ્રાફિક જામથી માંડીને પાર્કિંગની સમસ્યાઓ અને રખડતાં પશુઓના ત્રાસથી માંડીને ખિસ્સા કાપી લેનારાઓનો ઉપદ્રવ દ્વારકા યાત્રાધામમાં જાણીતો છે.


તાજેતરના તહેવારોમાં યાત્રાધામ દ્વારકામાં શહેરની કેપેસિટી કરતાં અનેકગણાં એટલે કે હજારો યાત્રાળુઓ અને સહેલાણીઓ દ્વારકા પહોંચ્યા. સર્વત્ર અંધાધૂંધી જેવી સ્થિતિઓ જોવા મળી. અધૂરામાં પૂરૂૂં અહીં સ્વર્ગ દ્વાર અને છપ્પન સિડી નજીક હજારો યાત્રાળુઓની ભીડ વચ્ચે એક આખલો ઘૂસી જતાં હજારો લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતાં. જેનો વીડિયો પણ વાયરલ થયો છે.


સૌ નસીબદાર એટલાં કે ભાગદોડ ન થઈ અને આખલાએ આ ભીડમાં પાંચ પચ્ચીસેક યાત્રાળુઓને કચડયા નહીં.જો આવું કાંઈ બન્યું હોત તો,મંગળ તહેવારો યાત્રાધામ માટે અમંગળ પૂરવાર થયા હોત.હજારો ભાવિકોએ શાણપણ દેખાડી આખલાને ભીડની બહાર જવાની જગ્યા આપી દીધી. સૌનો સંયમ કામ કરી ગયો.


પરંતુ વધુ એક વખત સાબિત થયું કે, આડે દિવસે રખડતાં પશુઓ મામલે ડફોળ પૂરવાર થતી દ્વારકા નગરપાલિકા ભારે ભીડના તહેવારો સમયે પણ સંપૂર્ણ બેદરકાર રહે છે. ભીડ અને સાંકડી જગ્યાઓ આસપાસ આખલા પહોંચી જાય ત્યાં સુધી સૌ જવાબદારો ક્યાં હોય છે, શું કરતાં હોય છે- એવા ગંભીર પ્રશ્નો ભાવિકો અને દ્વારકાના નગરજનો પૂછી રહ્યા છે.


અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, આ અગાઉ એક વખત ગૃહરાજ્યમંત્રીએ દ્વારકાની મુલાકાત લીધી ત્યારે પણ આ રીતે એક આખલો મોટી ભીડમાં ઘૂસી જતાં ત્યારે પણ હજારો લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતાં. ત્યારે પણ કોઈ અમંગળ ઘટના બની ન હતી. પરંતુ રખડતાં પશુઓ અને લાખોની ભીડ ગમે ત્યારે, દ્વારકામાં કલંકરૂૂપ દુર્ઘટના નિપજાવી શકે છે, આ બાબત સૌ સંબંધિતોએ કાયમ યાદ રાખવી પડે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version