ગુજરાત
ભરતીના ફોર્મ ભરાયાના 10 મહિના બાદ પણ પરીક્ષા લેવામાં મનપા નિષ્ફળ
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને ડિસેમ્બર -2023 મા બહાર પાડેલી જુનિયર ક્લાર્ક, સિસ્ટમ એનાલિસ્ટ, ગાર્ડન સુપરવાઈઝર, ગાર્ડન આસિસ્ટન્ટ સહિતની પદોની ખાલી પડેલ ર19 ની જગ્યાઓ ભરતી બહાર પાડવાની જાહેરાત કરી હતી. જેમા આ ભરતી માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પાસેથી છેલ્લી નિર્ધારીત તારીખ 10 જાન્યુઆરી 2024 સુધીમા અંદાજીત 50,000થી વધુ ઓનલાઈન અરજીઓ મંગાવી હતી.આ ભરતી માટે નિયત કરેલ શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ,કેટેગરી મુજબની ફોર્મની ફી સહિત નિયમો મનપા દ્વારા નક્કી કરવામા આવેલા હતા પરંતુ તે બાદ પરીક્ષા ક્યારે લેવાશે એ સ્પષ્ટતા ત્યારથી માંડી અત્યાર સુધી કરવામા આવી નથી.
મનપાના અલગ અલગ વિભાગોમા વહિવટી કામો અર્થે મહત્વની પાયાની જરૂૂરિયાત ગણાતી મહેકમો ખાલી હોવાના કારણે મનપાનુ તંત્ર કામગીરી બાબતે ખાડે ગયુ તે કારણ સ્પષ્ટ રીતે માની શકાય પરંતુ આ ભરતીના આજે 10-10 મહિના વીત્યા બાદ પણ કોઈ પદાધિકારી કે અધિકારી આ બાબતે મગનુ નામ મરી કેમ નથી પાળતા તે મોટા સવાલો છે ! આ ભરતી માટે અરજી કરેલ હજારો ઉમેદવારો જે આ પરીક્ષા પાસ કરવા માટે તૈયારી કરી રહ્યા છે તે પણ હવે કંટાળીને આ જાહેર કરેલ ભરતીની પરીક્ષા ક્યારે યોજાશે તે મનપા તંત્રને પૂછતા બંધ ગયા છે. પરીક્ષા પાસ કરી રાજકોટ મનપામાં સેવા આપવા ઇચ્છુક ઉમેદવારો અસંમજતામા મુકાયા છે કે ભરતીની જાહેરાત ખરેખર સાચી હતી કે છે કે આર્થિક રીતે તંગીનો સામનો કરી રહેલ રાજકોટ મહાનગરપાલિકાએ આ ભરતીમાં અરજી કરેલ ઉમેદવારોની ફોર્મની ફીના ઉઘરાણા કરવા માટે જ જાહેર કરી હતી ? કે પછી રાજકોટ મનપા આ ભરતીની પ્રક્રિયા પારદર્શકતાથી પૂર્ણ કરવા સક્ષમ નથી ? ભાજપના નેતાઓ અને અધિકારીઓના સગાઓ અને પરિચિતોને આ નોકરી અપાવવા કોઈ પણ ગૂંચળુ અટવાયુ કે શુ? તેવા વેધક સવાલો ઉમેદવારોને સતાવી રહ્યા હોય ત્યારે મનપાના જવાબદાર સતાધિસોએ આ બાબતે સ્પષ્ટતા કરવી જોઈએ કે પરીક્ષા ક્યારે યોજાનાર છે અન્યથા ઉમેદવારો પાસેથી ઉઘરાણા કરેલ ફોર્મની ફી પરત કરવાની પ્રક્રિયા હાથ ધરવી જોઈએ.
ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ હાઇકોર્ટની ટકોર બાદ ફાયરવિભાગની પણ 500 થી વધુ જગ્યાઓની ભરતીની જાહેરાત કરી છે ત્યારે એ પ્રક્રિયા પણ વહેલી તકે શરૂૂ કરવી જોઈએ અને ઉપરોક્ત 219 ની જગ્યાઓની ભરતી બાબતને ગંભીરતાથી લઈ તે પ્રક્રિયા આગળ વધારીને તાકીદે પારદર્શકતાથી પરીક્ષા યોજીને ભરતી પૂર્ણ કરવી જોઈએ જેથી રાજકોટ મનપાને લાયકાત ધરાવતા નવા કર્મીઓ મળે અને જેમને લીધે વહિવટી બાબતોના કામોમા લોકોને ખુબ સરળતાઓ પડશે. તેવી રજુઆત કોંગ્રેસના ઝોનલ પ્રવકતા રોહિતસિંહ રાજપુત સહીતના કાર્યકરો દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજુઆત કરવામાં આવી છે.