રાષ્ટ્રવિરોધી અને ગેરકાનૂની પ્રવૃત્તિ રોકવા કલેક્ટરનું જાહેરનામું
જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાએ આવેલ અતિ-સંવેદનશીલ જિલ્લો છે. જામનગર જિલ્લામાં કુલ 12 દરિયાઈ ટાપુઓ આવેલ છે. જે પૈકી માત્ર 1 પિરોટન ટાપુ પર માનવ વસાહત આવેલ છે. જયારે અન્ય ટાપુઓ માનવ વસાહત રહિત છે. આ નિર્જન ટાપુઓ પર ધાર્મિક જગ્યાઓ આવેલ છે. જે જગ્યાઓએ અવારનવાર ધાર્મિક પ્રસંગોએ અને દર્શનાર્થે માણસો અવર-જવર કરે છે.
આ ટાપુઓ પર રાષ્ટ્રવિરોધી અને દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓ કરતા ઈસમો સહેલાઈથી આ દરિયાઈ ટાપુઓ ઉપર આશ્રય મેળવે અથવા હથિયારો અને નશાકારક પદાર્થ છુપાવવા ઉપયોગ કરે તેવી પુરી સંભાવના છે. આથી રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાને લઇ તેમજ આતંકવાદી અને દેશદ્રોહી પ્રવૃત્તિને રોકવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એસ.એમ.કાથડ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ-163 અન્વયે સમગ્ર જામનગર જિલ્લાના આ ટાપુઓ પર પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
પ્રવાસીઓને પિરોટન ટાપુ પર જવા-આવવાનું થાય ત્યારે નાયબ વન સંરક્ષકશ્રી, મરીન નેશનલ પાર્ક, જામનગરની પૂર્વમંજૂરી મેળવી લેવાની રહેશે. જાહેરનામું આગામી તા.09-06-2026 સુધી અમલમાં રહેશે. ખારા બેરાજા ગામ નજીકના ભેંસબીડ ટાપુ, સરમત ગામ નજીકના દંડીકા ટાપુ અને મુંડીકા ટાપુ તથા બેડી ગામ નજીકના ઝિન્દ્રા ટાપુ, પિરોટન ટાપુ, અમુડી બેલા ટાપુ, બડા બેલા ટાપુ, કોદરા બેડ ટાપુ, જુના બેલા ટાપુ, સોસબારી અને ઘાખડી (નોવાડા) તથા ધોરી ક્રિક આ ટાપુઓ પર પ્રવેશ અંગે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
જિલ્લાના 154 જેટલા વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ
જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરીયાઈ સીમાએ આવેલ અતિ-સંવેદનશીલ જિલ્લો છે. જામનગર જિલ્લાની હદમાં મીલીટરી સ્ટેશન, એરફોર્સ સ્ટેશન, જામનગર તથા સમાણા, આઈએનએસ વાલસુરા, એશીયાની સૌથી મોટી ઓઈલ રીફાઈનરી, થર્મલ પાવર સ્ટેશન સિક્કા, જી.એસ.એફ.સી. તથા અન્ય મોટા ઔદ્યોગિક એકમો જેવા સંવેદનશીલ વાઈટલ ઈન્સ્ટોલેશન્સ આવેલ છે. જામનગર જિલ્લા વિસ્તારમાં આવેલ કુલ-154 ક્રિટીકલ/સ્ટ્રેટેજીકલ મહત્વ ધરાવતા ઇન્સ્ટોલેશન્સને રેડ ઝોન કે યલો ઝોનમાં વિભાજીત કરેલ છે જે પૈકી રેડ ઝોનમાં 112 તથા યલો ઝોનમાં 42 ઈન્સ્ટોલેશન્સ આવેલા છે. આથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એસ.એમ.કાથડ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ જામનગર મહાનગરપાલિકા સહિતના સમગ્ર જામનગર જીલ્લાના રેડઝોન અને યલો ઝોન જાહેર કરાયેલા વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ રહેશે. આગામી તા.09-06-2026 સુધી આ જાહેરનામું અમલમાં રહેશે. આ જાહેરનામાંનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા, 2023 ની કલમ-223 મુજબ શિક્ષાને પાત્ર થશે.

