ગુજરાત
નાનામવા નજીક અલાસ્કા એપાર્ટમેન્ટમાં બાલ્કનીમાંથી પટકાતા ઇજનેરના માતાનું મોત
પહેલા માળેથી પડી જતા ગંભીર ઇજા થતા સારવારમાં ખસેડાતા દમ તોડયો
શહેરના 150 ફૂટ રીંગ રોડ પર નાના મવા સર્કલ નજીક આવેલા અલાસ્કા એપાર્ટમેન્ટમાં રહેતા એન્જિનીયરના 60 વર્ષીય માતાનું પહેલા માળે બાલ્કનીમાંથી પટકાતા ગંભીર ઇજા થતા મોત નીપજ્યુ છે.
જાણવા મળતી વિગત મુજબ નાનામવા સર્કલથી મોકાજી સર્કલ તરફ જતા આવેલા અલાસ્કા એપાર્ટમેન્ટમાં બ્લોક ન.104માં રહેતા અન્સુયાબેન ભાનુભાઇ ભુવા (ઉ.વ.60) નામના પ્રૌઢ આજે પોતાના ઘરે હતા ત્યારે બાલ્કનીમાંથી નીચે પટકાતા તેમને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જો કે સારવાર કારગત ન નીવડતા તેનુ મોત નીપજ્યુ હતુ.
આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક પ્રૌઢાને સંતાનમાં એક પુત્ર છે જે જર્મનીમાં એન્જિનીયર હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવથી પટેલ પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.