શોકોઝ નોટિસ વગર ઇજનેરોને સસ્પેન્ડ કરવા સામે એન્જિનિયર્સ એસો.નો વિરોધ

રાજકોટ શહેરના નવા રિંગરોડ ઉપર નિર્માણાધીન બ્રિજની કામગીરીમાં બેદરકારી મામલે મનપાએ મોટી કાર્યવાહી કરી છે.ગઈકાલે બે ઈજનેરને સસ્પેન્ડ કરાયા છે. જ્યારે ડેપ્યુટી કમિશનર અને સિટી…

રાજકોટ શહેરના નવા રિંગરોડ ઉપર નિર્માણાધીન બ્રિજની કામગીરીમાં બેદરકારી મામલે મનપાએ મોટી કાર્યવાહી કરી છે.ગઈકાલે બે ઈજનેરને સસ્પેન્ડ કરાયા છે. જ્યારે ડેપ્યુટી કમિશનર અને સિટી ઈજનેરને મ્યુ. કમિશનરે કારણદર્શક નોટિસ ફટકારી છે. નાયબ ઈજનેર વી. સી. કારીયા અને આસી.ઈજનેર વિશાલ વાગડીયા નામનાં ઇજનેરોને સસ્પેન્ડ કરાયા છે. આ ઉપરાંત, ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણી અને સિટી ઈજનેર કુંતેશ મહેતાને પણ કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. જેને લઈ આજે મ્યુનિસિપલ કોર્પોરેશન એન્જીનીયર્સ એસોસીએશન’ દ્વારા મ્યુનિસિપલ કમિશનર સમક્ષ લેખિત રજૂઆત કરી બંનેના સસ્પેન્શન તાત્કાલિક સ્થગિત કરવાની માંગ કરવામાં આવી છે.

એસોસિએશનના જણાવ્યા મુજબ, સસ્પેન્ડ કરાયેલા બંને અધિકારીઓ પાસે નિયત કામગીરી ઉપરાંત અતિશય વધારાનો કાર્યબોજ હતો. વી.સી. કારિયા પાસે વોર્ડ નં. 9 ઉપરાંત વોર્ડ નં.10નો ચાર્જ તેમજ બીજા 150 ફૂટ રિંગ રોડ પર ચાલતા 3 બ્રિજના મોટા પ્રોજેક્ટની જવાબદારી હતી. જ્યારે મદદનીશ ઈજનેર વી.એમ. વાગડિયા પાસે બાંધકામ શાખા, રસ્તાકામ, પેકેજ-2 ડેવલપમેન્ટ અને 3 બ્રિજનું ભારે ભારણ હતું. આટલા કામના બોજ વચ્ચે કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરી સીધા સસ્પેન્ડ કરવા સામે વિરોધ દર્શાવી, બ્રિજ કામની ક્ષતિઓ તપાસવા માટે સ્વતંત્ર તપાસ કમિટી રચવાની માંગ કરાઈ છે.

આ ઉપરાંત એસોસિએશને કમિશનર સમક્ષ એન્જિનિયરિંગ સ્ટાફના 12 જેટલા મુખ્ય પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરી ન્યાયની માંગણી કરી છે. જેમાં નોટિસ વગર સસ્પેન્ડ કરાયેલા બંને ઈજનેરોનો ઓર્ડર મોકૂફ રાખવો અને ભૂતકાળમાં વિવિધ કારણોસર ફરજ-મોકૂફ કરાયેલા જે કર્મચારીઓને કોર્ટમાંથી જામીન મળ્યા છે. ભાવનગર મહાનગરપાલિકાની જેમ રાજકોટ મનપામાં પણ ફિક્સ પગારનો સમયગાળો 5 વર્ષથી ઘટાડી 3 વર્ષ કરવો. ઈજનેરી સ્ટાફ પાસે સીટી બસ ચેકિંગ, ટેક્સ રિકવરી, બી.એલ.ઓ. ( કામગીરી અને સરકારી મેળાવડાઓમાં ભીડ એકઠી કરવા જેવી ટેકનિકલ બહારની કામગીરી ન કરાવવી.જાહેર રજાના દિવસે માત્ર ઈમરજન્સી કામો જ રાખવા, ડામર-પેચવર્ક જેવી નિયમિત કામગીરી બંધ રાખવી અથવા નિયમાનુસાર વળતર રજા આપવી.

RMCના કર્મચારીઓ પરીક્ષા પાસ કરી ઉપલી કેડરમાં જાય ત્યારે તેમને ફરી 5 વર્ષ ફિક્સ પગારમાં રાખવાને બદલે અગાઉની નોકરી સળંગ ગણી પે-પ્રોટેક્શન આપવું. (વર્ગ-3) જગ્યાઓ બઢતીથી ભરવી, ઉચ્ચતર પગાર ધોરણ લાગુ કરવું તેમજ વડોદરા મનપાની જેમ B.E. સિવિલ લાયકાત ધરાવતા વર્ક આસિસ્ટન્ટનેA.E.માં 25% ઇન-હાઉસ ભરતીથી પ્રમોશન આપવું. અકસ્માત કે ક્ષતિના કિસ્સામાં ફિલ્ડ કર્મચારીઓ પર સીધી પોલીસ કાર્યવાહી વખતે મનપાની લીગલ શાખા મારફત કાનૂની માર્ગદર્શન અને રક્ષણ પૂરું પાડવું.