લહેર વગર લડાતી ચૂંટણી, ત્રિપાંખિયા જંગમાં બળાબળના પારખા

ભાજપમાં આંતરિક ખેંચતાણ તો કોંગ્રેસમાં કાનાકૂસી, આપમાં સંગઠન અને નેતાઓનો અભાવ છેલ્લી ઘડીની ‘ગોઠવણો’ માટે ‘મેનેજરો’ મેદાનમાં છતાં મતદારો ઉપર દારોમદાર ક્રોસ વોટીંગનો ચારે તરફ…

ભાજપમાં આંતરિક ખેંચતાણ તો કોંગ્રેસમાં કાનાકૂસી, આપમાં સંગઠન અને નેતાઓનો અભાવ

છેલ્લી ઘડીની ‘ગોઠવણો’ માટે ‘મેનેજરો’ મેદાનમાં છતાં મતદારો ઉપર દારોમદાર

ક્રોસ વોટીંગનો ચારે તરફ ભય, ઉમેદવારોની પેનલો છોડી પોતાના ‘સોગઠા’ ગોઠવવા હવાતિયા

લાંબા સમયથી રાહ જોવાથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આવતીકાલે મતદાન યોજાવાનું છે ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હોવાનું પણ હાલ જાણવા મળ્યું છે. દરેક રાજકીય પક્ષોએ પ્રચાર પ્રસારમાં પણ પોતાનો મોટો સમય ફાળવ્યો છે ત્યારે રાજકોટમાં ત્રિપાંખ્યો જંગ ખેલાશે તે વાત નક્કી થઈ ચૂકી છે પરંતુ મતદારોમાં જે ઉત્સાહ અને ઉમંગ હોવો જોઈએ તે જોવા મળતો નથી. ત્યારે મતદારોનો મિજાજ આવતીકાલે કેવો હશે તે હવે જોવાનું રહ્યું. રાજકીય પક્ષોના પ્રચાર પ્રસાર શાંત થતાની સાથે જ હવે ઉમેદવારો માટે ’ડોર-ટુ-ડોર’ સંપર્ક અને વ્યક્તિગત પ્રચારનો તબક્કો શરૂૂ થઈ ગયો છે.

આવતીકાલે યોજાનારા મતદાન પર હવે સમગ્ર રાજ્યની નજર છે. હવામાન વિભાગ દ્વારા મતદાનના દિવસે આકરી ગરમીની આગાહી કરવામાં આવી હોવા છતાં, તંત્ર અને રાજકીય પક્ષો વધુમાં વધુ મતદાન થાય તેવા પ્રયાસો કરી રહ્યા છે. જનતા જનાર્દન કોના પક્ષમાં મતદાન કરીને સત્તાનું સૂત્ર સોંપશે તેનો ફેંસલો હવે રવિવારે ઈવીએમમાં કેદ થશે. 26 તારીખે સવારે 7 વાગ્યાથી લોકશાહીના આ પર્વનો આરંભ થશે. બીજો મહત્વનો મુદ્દો એ છે કે આ વખતે ભાજપમાં આંતરિક વિકાસ અને વિવિધ સમાજો માં રોષ જોવા મળ્યો છે તેની પાછળનું જો કોઈ મુખ્ય કારણ હોય તો તે બેઠક વહેંચણીનો મુદ્દો છે. ત્યારે આ પ્રશ્નને કઈ રીતે નિવારવામાં આવશે તે હવે જોવાનું રહ્યું કારણ કે શહેર ભાજપ અને પ્રદેશ ભાજપ દ્વારા જે ડેમેજ કંટ્રોલ કરવામાં આવ્યો તે પરિપૂર્ણ થયું નથી અને હજુ પણ મતદારોની સાથોસાથ વિવિધ સમાજના આગેવાનોમાં રોષ જોવા મળ્યો છે.

ત્યારે સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને લઈ રાજકોટ અને સૌરાષ્ટ્રમાં અપસેટ સર્જાય તેવી આગાહી અને શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તો બીજી તરફ કોંગ્રેસને ગ્રામ્ય વિસ્તારોમાં મર્યાદિત લાભ મળે તેવું જાણવા મળ્યું છે જ્યારે આમ આદમી પાર્ટી પોતાની મજબૂતી સાબિત કરી શકવા માટેનો આવતીકાલે ઉત્તમ તક છે ત્યારે પ્રજાએ કોના પર ભરોસો મૂક્યો છે તે 28 તારીખે જ માલુમ પડશે.

મહાનગરપાલિકાની ચૂંટણી માટે હવે ગણતરીની કલાકો જ બાકી રહી છે ત્યારે કેટલાક ગણઘણાટ પણ થઈ રહ્યા છે ભાજપના ઉમેદવારોની સભાઓમાં લોકોને હાજરી વધી રહી છે તો ક્યાંક લોકો એમ પણ કહે છે કે આ વખતે રાજકોટમાં આમ આદમી પાર્ટી આક્રમકતાથી પ્રચાર પ્રસાર કરી રહી છે ત્યારે કોંગ્રેસ પણ તેના સોગઠા ગોઠવવામાં મહેનત કરી રહી છે ત્યારે આવતીકાલનો ત્રિપાંખયો જંગ અનેક નવા અને રોચક પરિણામો આપે તેવું જણાઈ રહ્યું છે. રાજકીય વર્તુળોમાં થતી ચર્ચા પર જો ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો એ વાત સ્પષ્ટ છે કે ભાજપમાં હાલ જે જૂથવાદ અને આંતરિક પ્રશ્નો ઉભા થયા છે તેનો ફાયદો કોંગ્રેસ લેશે કે આમ આદમી પાર્ટી તે હવે જોવાનું રહ્યું ?

ક્રોસ વોટિંગ થવાની ભીતિ પણ હાલ રાજકોટ મહાનગરપાલિકામાં સર્જાય છે ત્યારે લોકો જો ક્રોસ વોટિંગ કરશે તો તેનો ફાયદો ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કોને થશે તે તો 28 તારીખ જ કહેશે. કહેવાય છે કે ગમે તેટલા વિરોધ વચ્ચે પણ અંતિમ ક્ષણોમાં ભાજપ પૂર્ણત: ડેમેજ કંટ્રોલ કરી લે છે પરંતુ આ વખતે પેનલ તૂટવાની પણ સંભાવના વ્યક્ત કરાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરી વિસ્તારોમાં ભાજપનું પ્રભુત્વ હજુ પણ યથાવત છે ત્યારે મહાનગરપાલિકાઓમાં ભાજપને ગત ચૂંટણી કરતા બે થી પાંચ ટકા વોટ શેરની વધઘટ થાય અને શહેર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેના મત વિભાજિત થાય તો ભાજપને તેનો સીધો જ ફાયદો મળશે. ભાજપે જૂના જોગીઓને સાઈડ લાઈન કરી દીધા તો મતદાનના થોડા સમય પૂર્વે તે તમામને વોર્ડ વાલી તરીકે પણ જવાબદારી સોંપી દીધી ત્યારે હવે હાર થાય તો ઠીકરૂૂ તેમના પર ફોડવા માટેની તૈયારીઓ પણ આરંભે દીધી હોય તેવી પણ રાજકીય વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે.

મતદાર સ્લીપ વિતરણની કામગીરી પર અનેક સવાલ: અનેક વિસ્તારોમાં નથી મળી સ્લીપ
મતદાર સ્લીપ મતદારોને ન મળતા અનેકવિધ પ્રશ્નો ઊભા થયા છે અને આ પ્રકારની સ્થિતિ પ્રથમ વખત નિર્માણ પામી હશે કે જ્યારે ઘણા ખરા વિસ્તારોમાં મતદાન સ્લીપ મળી ન હોય ત્યારે આ કામગીરીને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાન આડે આંગળીના વેઢે ગણાય એટલી કલાકો જ બાકી રહી છે ત્યારે, હજી શહેર ભાજપ દ્વારા અનેક વોર્ડ વિસ્તારોમાં મતદારોને સ્લીપ વિતરણ કરવામાં આવ્યું નહોવાની વિગતો સાંપડી રહી છે. એક તરફ ઉમેદવારોના નામની જાહેરાતની સાથે જ દરેક વોર્ડમાંથી અસંતોષની જ્વાળાઓે શાંત પાડવામાં શહેર ભાજપ પ્રમુખ માધવ દવે સદંતર નિષ્ફળ રહ્યા હોવાનો સુર ઉઠ્યો છે .બીજી બાજું બુથ લેવલની કામગીરી અને ખર્ચ મુદ્દે નવો વિવાદ શરૂૂ થયો છે. આ કારણે મતદાન આડે ગણતરીના કલાકો જ આાડા રહ્યા છે ત્યારે ભાજપ હજી મતદારોને મતદાન સ્લીપ પહોંચાડવામાં નિષ્ફળ રહ્યું છે. બુથ લેવલની કામગીરી સંભાળતા કાર્યકરોની નારાજગીના પગલે સ્લીપ વિતરણની જવાબદારી કાર્યકરોને સોંપવી કે એજન્સીને જવાબદારી સોંપવી તેની અવઢવ શહેર ભાજપના હોદ્દેદારો અને આગેવાનો અનુભવી રહ્યા છે.

ખાટલા બેઠકોનો સહારો લેશે રાજકીય પક્ષ
જાહેર પ્રચાર ભલે શાંત થયો હોય, પરંતુ રાજકીય ગરમાવો હવે આંતરિક વ્યૂહરચનાઓમાં બદલાઈ જશે. દિગ્ગજ નેતાઓ અને ઉમેદવારો હવે છેલ્લી ઘડીના મતદારોને રીઝવવા માટે ગુપ્ત બેઠકો, ખાટલા બેઠકો અને ઓટલા પરિષદોનો સહારો લેશે. મહોલ્લાઓ અને સોસાયટીઓમાં જઈને વધુમાં વધુ મતદાન પોતાના પક્ષમાં કેવી રીતે કરાવવું અને વિરોધીઓના મતોમાં ગાબડું કેવી રીતે પાડવું તેની ગણતરીઓ હવે તેજ બનશે. આગામી 26 એપ્રિલના રોજ યોજાનારા મતદાન પર હવે સમગ્ર રાજ્યની નજર છે. હવામાન વિભાગ દ્વારા મતદાનના દિવસે આકરી ગરમીની આગાહી કરવામાં આવી હોવા છતાં, તંત્ર અને રાજકીય પક્ષો વધુમાં વધુ મતદાન થાય તેવા પ્રયાસો કરી રહ્યા છે. જનતા જનાર્દન કોના પક્ષમાં મતદાન કરીને સત્તાનું સૂત્ર સોંપશે તેનો ફેંસલો હવે રવિવારે ઈવીએમમાં કેદ થશે. 26 તારીખે સવારે 7 વાગ્યાથી લોકશાહીના આ પર્વનો આરંભ થશે.