Site icon Gujarat Mirror

જૂની કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાં વૃધ્ધાના દાગીના ભરેલા પાકીટની ચોરી

રાજકોટ શહેરના જૂની કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં ગત સોમવારે ચોરીની એક ઘટના પ્રકાશમાં આવી છે.
માંડા ડુંગર વિસ્તારમાં રહેતા 55 વર્ષીય શારદાબેન અશોકભાઈ દેરોતરા નામના વૃદ્ધા ગત તા.13/04ના રોજ સવારે આશરે 9:00 થી 10:00 વાગ્યાના સમયગાળા દરમિયાન સરકારી કુપનના કામ માટે જૂની કલેક્ટર કચેરીએ ગયા હતા. સવારના સમયે ઓફિસ હજુ ખુલી ન હોવાથી તેઓ કચેરીના કમ્પાઉન્ડમાં બેઠા હતા. આ દરમિયાન તેમની પાસે રહેલું પ્લાસ્ટિકની કોથળીમાં મુકેલું પાકીટ, જેમાં સોનાના દાગીના હતા, તેની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, શારદાબેને પોતાની સોનાની એક જોડી બુટ્ટી (આશરે વજન 4.72 ગ્રામ) જેની કિંમત આશરે રૂૂ. 48,500 છે અને સોનાનો એક દાણો (આશરે વજન 0.5 ગ્રામ) જેની કિંમત આશરે રૂૂ. 1,500 છે, તે કાઢીને પાકીટમાં મુક્યા હતા. આ પાકીટ તેમણે પોતાની પાસે રહેલી પ્લાસ્ટિકની કોથળીમાં રાખી બાજુમાં મુક્યું હતું.

તે સમયે તેમની બાજુમાં એક અજાણ્યા બહેન પણ બેઠેલા હતા. થોડી વાર પછી જોતા બાજુમાં રાખેલી પ્લાસ્ટિકની થેલી અને તેમાં રહેલું દાગીના ભરેલું પાકીટ ગાયબ જણાતા વૃદ્ધાએ આસપાસ તપાસ કરી હતી, પરંતુ ક્યાંય પત્તો લાગ્યો નહોતો.

આ ઘટના બાદ વૃદ્ધાએ ઘરે જઈ પોતાના પુત્રો વિપુલ અને જીજ્ઞેશને જાણ કરી હતી અને ત્યારબાદ તા.16/04ના રોજ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 173 અને બી.એન.એસ ની કલમ 303(2) હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જયકુમાર બળવંતભાઈ રાણીંગા ચલાવી રહ્યા છે.

Exit mobile version