અકસ્માત સર્જી અજાણ્યો કાર ચાલક ગાડી ઘટના સ્થળે મૂકી નાસી છુટયો
ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના વળાવડ ગામના બસ સ્ટેશન પાસે એક અજાણ્યા ફોરવીલ કારના ચાલકે રસ્તો ઓળંગી રહેલા એક વૃદ્ધાને જોરદાર ટક્કર મારતા આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધાનું કરુણ મોત નીપજ્યું છે. મળતી વિગતો મુજબ પાલીતાણા તાલુકાના લોંઇચડા (નવા) ગામે રહેતા 22 વર્ષીય હીરા વ્યવસાયી વંદનભાઈ ઘનશ્યામભાઈ સોલંકીએ શિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર દાદીમા સમજુબેન કોઈ કામ અર્થે વળાવડ ગામે પોતાના સબંધીના ઘરે જવા માટે નીકળ્યા હતા. તેઓ વળાવડ ગામે પહોંચ્યા બાદ બસ સ્ટેશન નજીકથી પગપાળા રોડ ક્રોસ કરી રહ્યા હતા.
તે જ સમયે રોડ પર પુરપાટ ઝડપે અને માનવ જિંદગી જોખમાય તે રીતે ગફલતભરી રીતે આવી રહેલી એક ફોરવીલ ગાડી (નંબર: GJ-33-K-343) ના ચાલકે સમજુબેનને અડફેટે લીધા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે સમજુબેન રોડ પર પછડાતા તેમને માથા તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જાયા બાદ આસપાસના લોકો એકઠા થઈ જતાં અજાણ્યો કાર ચાલક પોતાની ગાડી ઘટનાસ્થળે જ પડતી મૂકીને ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ ઘટના અંગે શિહોર પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે અકસ્માત સર્જી નાસી ગયેલા અજાણ્યા ફોરવીલ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
