માધાપર ચોકડી પાસેની સોસાયટીમાં ફ્લેટના છઠ્ઠા માળેથી નીચે પટકાતા વૃદ્ધાનું કરૂણ મોત

રાજકોટની માધાપર ચોકડી પાસે આવેલી સુંદરમ સીટી સોસાયટીમાં એક અત્યંત હૃદયદ્રાવક અને અરેરાટીભરી ઘટના સામે આવી છે. અહીં રહેતા 80 વર્ષના વૃદ્ધા શાંતાબેન સુરેશભાઈ રાઠોડ…

રાજકોટની માધાપર ચોકડી પાસે આવેલી સુંદરમ સીટી સોસાયટીમાં એક અત્યંત હૃદયદ્રાવક અને અરેરાટીભરી ઘટના સામે આવી છે. અહીં રહેતા 80 વર્ષના વૃદ્ધા શાંતાબેન સુરેશભાઈ રાઠોડ પોતાના ફ્લેટના છઠ્ઠા માળે ગેલેરી પાસે ઘર કામ અને સાફ સફાઈ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક સંતુલન બગાડવાને કારણે અથવા અન્ય કોઈ કારણોસર તેઓ ગેલેરીમાંથી સીધા 60 ફૂટ નીચે પટકાયા હતા.

છઠ્ઠા માળેથી નીચે પડતી વખતે તેઓ પહેલા માળની ગેલેરીમાં આવીને પડ્યા હતા, જેને કારણે તેમના માથાના ભાગે અત્યંત ગંભીર અને જીવલેણ ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને લોહીલુહાણ હાલતમાં વૃદ્ધાને તાત્કાલિક સારવાર માટે નજીકની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે, હોસ્પિટલના બિછાને ટૂંકી સારવાર દરમિયાન જ તેમણે અંતિમ શ્વાસ લેતા પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતક શાંતાબેન રાઠોડ મૂળ આણંદપર બાઘી ગામના વતની હતા અને તેઓ વ્યવસાયે ખેતી કામ સાથે જોડાયેલા હતા. તેમના પરિવારમાં બે દીકરા અને એક દીકરી છે, જેમણે આજે પોતાની વહાલસોયી માતા ગુમાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.