Site icon Gujarat Mirror

અમરેલીમાં ધરતી ધ્રુજી : સવારે 2.9 રિકટર સ્કેલની તિવ્રતાનો આંચકો

કેન્દ્રબિંદુ શહેરથી 39 કિ.મી.દૂર, કોઈ નુકસાની નહીં

સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં શનિવારે સવારે હળવા ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના માહિતી મુજબ આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.9 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં 39 કિલોમીટર દૂર સ્થિત હતું. તેનો સમય સવારે 7:41 કલાક હતો. ભૂકંપની ઊંડાઈ 76.2 કિલોમીટર નોંધાઈ હતી, જેના કારણે તેની અસર હળવી રહી હતી.

સ્થાનિક વહીવટી તંત્રે તાત્કાલિક સતર્કતા અપનાવી હતી અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. અત્યાર સુધીમાં કોઈપણ પ્રકારના જાનમાલના નુકસાન કે મકાનોને નુકસાનના અહેવાલ મળ્યા નથી. વહીવટી અધિકારીઓએ નાગરિકોને શાંત રહેવાની અને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે.
આ વિસ્તારમાં અગાઉ પણ હળવા તીવ્રતાના ભૂકંપો નોંધાતા રહ્યા છે. જોકે આ વખતે ભૂકંપની ઊંડાઈ વધુ હોવાને કારણે તેની અસર મર્યાદિત રહી હતી. જિલ્લા વહીવટી તંત્રે સ્થિતિ પર નજર રાખી છે અને જરૂૂર પડ્યે વધુ માહિતી આપવામાં આવશે.

Exit mobile version