Site icon Gujarat Mirror

ચોટીલા પોલીસનો ‘ઝોલાછાપ’ ડોક્ટર પર ડીવાયએસપી ટીમનો સપાટો

ચોટીલા ડિવિઝનના ડીવાયએસપી ટીમ દ્વારા માનવ આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડોક્ટરો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આણંદપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે ગુંદા ગામેથી એક નકલી ડોક્ટરને ઝડપી લેવામાં સફળતા મળી છે.

જઉઙઘ ચોટીલાની કચેરીનો સ્ટાફ આણંદપુર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન કોન્સ્ટેબલ સંજયભાઈ મેરને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ગુંદા ગામે ભાડે રાખેલા રહેણાંક મકાનમાં રાજુ દુલાલ ગોલદર નામનો શખ્સ કોઈપણ માન્ય મેડિકલ ડિગ્રી વગર એલોપેથીની સારવાર કરી રહ્યો છે અને લોકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી રહ્યો છે.

આ બાતમીના આધારે પી.એચ.સી. આણંદપુરના મેડિકલ ઓફિસર ડો. દિલીપ વાલાણીને સાથે રાખીને પોલીસ ટીમે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન રાજુભાઈ દુલાલભાઈ ગોલદર ઉંમર 44 વર્ષ (મૂળ રહે. મોડલપરા, પશ્ચિમ બંગાળ) રંગેહાથ ઝડપાઈ ગયો હતો.

ડીવાયએસપી એસ.એસ. ભદોરીયાના માર્ગદર્શન હેઠળ પ્રતિપાલસિંહ રાણા, પ્રકાશભાઈ કુકડીયા, સંજયભાઈ મેર, દેવેન્દ્રભાઇ રાવલ, હીરાભાઈ વિગેરે એ ઝડપી પાડેલ બોગસ ડોક્ટર પાસે થી સઘન તપાસ કરતા અલગ-અલગ 31 પ્રકારની એલોપેથીક દવાઓ મળી આવતા તે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આરોપી વિરુદ્ધ કોઈપણ ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરવા બદલ ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ 30 મુજબ આણંદપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.લોકોના જીવ સાથે ચેડા કરનારા તત્વો સામે પોલીસની લાલ આંખ કરતા ઝોલા છાપ તબીબી પ્રેકટીસ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Exit mobile version