Site icon Gujarat Mirror

દ્વારકામાં નાતાલ પૂર્વે જ યાત્રિકોનો પ્રવાહ: હોટેલ, ગેસ્ટ હાઉસ, ધર્મશાળાઓ ફૂલ

બજારોમાં પ્રવાસીઓની ભીડ જોતા રોનક છવાઇ, વેપારીઓમાં ખુશીની લહેર વ્યાપી: વહીવટી તંત્ર દ્વારા અલાયદી વ્યવસ્થા

ક્રિસમસના વેકેશનમાં યાત્રાધામ દ્વારકા સહેલાણીઓની પ્રથમ પસંદ બની રહયુ છે. ખાસ કરીને ગુજરાતીઓ માનીતા પ્રવાસન સ્થળ તરીકે દ્વારકાધીશના દર્શનની સાથોસાથ શીવરાજપુર બીચ, સુદર્શન સેતુનો લુત્ફ ઉઠાવવા દ્વારકા પ્રવાસને પ્રાધાન્ય આપી રહયા છે. આમ તો હવે વર્ષ દરમ્યાન દ્વારકામાં યાત્રાળુઓનો પ્રવાહ જોવા મળતો હોય છે પરન્તુ જન્માષ્ટમી, દિપાવલી, ફુલડોલ ઉત્સવ તથા ક્રિસમસના વેકેશનમાં દર્શનાર્થીઓ સાથે સહેલાણીઓનું ઘોડાપુર ઉમટતું હોય દ્વારકા બેટ દ્વારકા સહિતના યાત્રાધામ તેમજ પર્યટન સ્થળોમાં આગામી પખવાડિયામાં લાખો દર્શનાર્થીઓ તથા સહેલાણીઓએ યાત્રાધામમાં દર્શન તથા પ્રવાસનનો લાભ લેનાર હોય હોટલ ગેસ્ટહાઉસમાં હાઉસ ફુલના બોર્ડ જોવા મળી રહયા છે તો બજારોમાં પ્રવાસીઓની ભીડ જોતા રોનક છવાઈ હોય વેપારીઓમાં ખુશીની લહેર વ્યાપી છે.

આ વખતે નાતાલના તહેવાર અને વેકેશનના સમયગાળામાં રજાના માહોલમાં બહોળી સંખ્યામાં સહેલાણીઓ દ્વારકાની મુલાકાતે આવી રહયા હોય સરકારી તંત્ર દ્વારા સર્કિટ હાઉસ, ગુજરાત ટુરીઝમના તોરણ ગેસ્ટહાઉસ સહિત અન્સ સરકારી અતિથિ ગૃહોમાં તેમજ હોટલ ગેસ્ટહાઉસમાં પણ વ્યાપક બુકીંગ નોંધાયા છે.

નાતાલની તહેવારની સીઝનમાં દ્વારકાધીશ જગતમંદિરમાં દરરોજ ચઢાવવામાં આવતી છ ધ્વજાજીમાં પણ વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ અને સમાજશ્રેષ્ઠીઓની ધ્વજાજી ચઢાવવામાં આવનાર હોય તેમજ આ તહેવારોમાં ઠાકોરજીને કુંડલા ભોગ, છપ્પન ભોગ, કુનવારા ભોગ, સુકા મેવા મનોરથ વિગેરે મનોરથો પણ યોજાનાર હોય જગતમંદિરમાં હજારો દર્શનાર્થીઓને વિવિધ મનોરથોનો વિશેષ માહોલ જોવા મળશે.

નાતાલના ટ્રાફીકમાં દર વર્ષે લાખો ભાવિકો તથા સહેલાણીઓ યાત્રાધામ દ્વારકા ઉપરાંત બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ, રૂૂકિમણી મંદિર, ગોપી તળાવ જેવા ધાર્મિક સ્થળો તેમજ શિવરાજપુર બીચ, સુદર્શન સેતુ સહિતના સહેલાણીઓને મનોરંજન આપતા સ્થળોની મુલાકાતે આવનાર હોય તેમજ આ વખતે ગુજરાતી ઉપરાંત હિન્દી બેલ્ટના રાજ્યોના ભાવિકો તથા સહેલાણીઓ પણ મોટી સંખ્યામાં આવી રહયા છે ત્યારે જન્માષ્ટમી દિપાવલીના તહેવારોમાં વિશેષ ભીડ માટે જે રીતે વ્યવસ્થા ગોઠવાય છે તે જ રીતે નાતાલના તહેવારોમાં પણ યાત્રીકોને સરળતાથી દર્શન થઈ શકે તેવી અલાયદી વ્યવસ્થા પ્રશાસન દ્વારા ગોઠવવામાં આવી રહી છે.

નાતાલના મીની વેકેશનમાં આ વર્ષે દ્વારકા યાત્રાધામમાં 80 થી 100 જેટલી વિદ્યાર્થી ટુર આવી રહી છે ત્યારે યાત્રાધામ દ્વારકાના ભડકેશ્વર બીચ, સનસેટ પોઈન્ટ, ગાયત્રી બીચ, લાઈટ હાઉસ, સંગમનારાયણ બીચ તેમજ દ્વારકાથી બેટ દ્વારકા સુધીના શિવરાપુર બીચ, મોમાઈ બીચ, બેટ દ્વારકાના વિવિધ બીચ વગેરે ટુરીસ્ટ સ્થળો વિંદ્યાર્થીઓ દ્વારા મુલાકાત લઈ દરીયાઈ જીવસૃષ્ટિના અભ્યાસ સાથે પ્રવાસન સ્થળોનો લુત્ફ ઉઠાવનાર છે.
ડિસેમ્બર માસના ઉત્તરાર્ધથી જ યાત્રાધામ દ્વારકામાં ટુરીસ્ટની ચહલ પહલ જોવા મળી રહી છે અને મુલાકાતીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહયો છે. સ્ટાર કેટેગરીની હોટલોમાં એકાદ સપ્તાહથી બુકીંગ કુલ છે ત્યારે અન્ય હોટેલ, ગેસ્ટહાઉસ, ભવન, હોમ-સ્ટે વિગેરેમાં પણ જબરદસ્ત બુકીંગ નોંધાયા છે જેના કારણે યાત્રાળુઓની વ્યાપક ભીડભાડને લીધે ટ્રાવેલ્સના ધંધાર્થીઓ માટે પણ તેજીની સીઝન ખૂલી હોય તેમ હાઉસફુલ જેવી સ્થિતિ જોવા મળી રહી છે.

Exit mobile version