સમુદ્ર કિનારે વસેલું દ્વારકા 12 દિવસથી પાણી માટે તરસ્યું: વેકેશનના માહોલમાં સ્થાનિકો સહિત યાત્રિકો પરેશાન

હાલમાં દ્વારકા ને ભાણવડ તાલુકા ના વર્તુળ ડેમથી નર્મદાનું પાણી દ્વારકા તાલુકાના ગોરીન્જા ગામ પાસે આવેલ સ્ટોરેજમાં લાવવામાં આવે છે પરંતુ ઉપરોક્ત લાઈનમાં વિક્ષેપ પડતા…

હાલમાં દ્વારકા ને ભાણવડ તાલુકા ના વર્તુળ ડેમથી નર્મદાનું પાણી દ્વારકા તાલુકાના ગોરીન્જા ગામ પાસે આવેલ સ્ટોરેજમાં લાવવામાં આવે છે પરંતુ ઉપરોક્ત લાઈનમાં વિક્ષેપ પડતા રીપેરીંગનું કામ ચાલતું હતું તે પૂર્ણ થયું છે. ગઈકાલે દ્વારકાના 50 ટકા વિસ્તારમાં પણ એનું વિતરણ થયું હતું અને ટૂંક સમયમાં પાણી વિતરણની વ્યવસ્થા સાનુકૂળ થાય તેવું પાલિકાના વર્તુળો જણાવ્યું છે.

પવિત્ર યાત્રાધામ અને સમુદ્ર કિનારે વસેલી જગતગુરુની નગરી દ્વારકામાં છેલ્લા 12 દિવસથી પીવાના પાણીનું વિતરણ ઠપ થઈ જતાં સ્થાનિક નગરજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. એક તરફ કાળઝાળ ઉનાળો અને વેકેશનની સીઝનને કારણે દેશ-વિદેશમાંથી આવતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે, ત્યારે બીજી તરફ નગરમાં સર્જાયેલી પાણીની તીવ્ર અછતે વહીવટી તંત્રની પ્રી-મોન્સૂન અને આયોજન પૂર્વકની કામગીરી સામે મોટા સવાલો ઊભા કર્યા છે.

દ્વારકાના રહેણાંક વિસ્તારોમાં છેલ્લા 12 દિવસથી પાણીનું ટીપું પણ વિતરિત કરવામાં આવ્યું નથી. નિયમિત અંતરાલે મળવું જોઈતું પાણી ન મળતા ગૃહિણીઓ અને સ્થાનિક રહીશોમાં તીવ્ર રોષ જોવા મળી રહ્યો છે.
પાણીની અનિયમિતતાને કારણે નગરજનોને દૈનિક વપરાશ અને પીવાના પાણી માટે દર-દર ભટકવું પડી રહ્યું છે અથવા તો મોંઘા ભાવના પ્રાઇવેટ વોટર ટેન્કરો મંગાવવાની ફરજ પડી રહી છે, જે સામાન્ય પરિવારો માટે આર્થિક બોજ સમાન છે. વેકેશનના માહોલમાં દ્વારકાધીશના દર્શનાર્થે આવતા પ્રવાસીઓની સંખ્યા ચરમસીમાએ છે. હોટેલો, ધર્મશાળાઓ અને અતિથિગૃહોમાં પણ પાણીની અછત વર્તાઈ રહી છે, જેના કારણે સ્થાનિક વેપાર અને યાત્રાધામની છબીને પણ અસર પહોંચી રહી છે.

સ્થાનિક અગ્રણીઓ અને નગરજનો દ્વારા તંત્ર સમક્ષ ઉગ્ર માંગ કરવામાં આવી છે કે પાણી વિતરણ વ્યવસ્થામાં સર્જાયેલી ટેકનિકલ કે વહીવટી ખામીને તાકીદે દૂર કરવામાં આવે અને નગરમાં યુદ્ધના ધોરણે પૂરતું પાણી પૂરું પાડવામાં આવે જેથી ઉનાળાની આ આકરી ગરમીમાં લોકોને રાહત મળી શકે. દરિયો કિનારે છે, છતાં દ્વારકા ટીપા માટે તરસી- આ પંક્તિ આજે દ્વારકાના દરેક નાગરિકની વાસ્તવિકતા અને વેદના બની ચૂકી છે. અફાટ સમુદ્રની વચ્ચે હોવા છતાં મીઠા અને શુદ્ધ પીવાના પાણી માટે પવિત્ર નગરીના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.