ડમ્પર ચાલકો બેફામ:રાજકોટમાં નોકરી કરવા નહીં દઉં, પટ્ટા-ટોપી ઉતરાવી દઈશ; ટ્રાફિક PIને ધમકી

ડમ્પરને ડીટેઇન કરવા મામલે અયોધ્યા ચોક પાસે કાળા રંગની સ્કોર્પિયોમાં આવેલા પરાપીપળિયાના શખ્સે ધમાલ મચાવી શહેરની પરશુરામ ચોકડી પાસે ટ્રાફિક શાખાના પીઆઇ અને ટીમે આરટીઓના…

ડમ્પરને ડીટેઇન કરવા મામલે અયોધ્યા ચોક પાસે કાળા રંગની સ્કોર્પિયોમાં આવેલા પરાપીપળિયાના શખ્સે ધમાલ મચાવી

શહેરની પરશુરામ ચોકડી પાસે ટ્રાફિક શાખાના પીઆઇ અને ટીમે આરટીઓના માન્ય કાગળો નહિ ધરાવતાં ડમ્પરને ડીટેઇન કરવાની કાર્યવાહી કરતાં એક કોન્સ્ટેબલ ડમ્પરમાં સાથે બેસી શીતલ પાર્ક ટોઇંગ સ્ટેશને લઇ જતાં હતાં અને પીઆઇ તેમની ગાડીમાં હતાં ત્યારે રસ્તામાં અયોધ્યા ચોક પાસે કાળા રંગની સ્કોર્પિયોમાં આવેલા શખ્સે ડમ્પર ઉભુ રખાવી પીઆઇ અને કર્મચારી સાથે તોછડુ વર્તન કરી જો મારી ગાડી ડીટેઇન કરશો તો પટ્ટા ટોપી ઉતરાવી નાંખીશ. રાજકોટમાં નોકરી કરવા જેવા રહેવા નહિ દઉ તેવી ધમકી આપતાં ફરિયાદ દાખલ થઇ છે. થાર ચાલક પીપળીયાના શખ્સની સાથે બાઇક પર પણ એક શખ્સ આવ્યો હતો.

આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે ટ્રાફિક શાખાના સેક્ટર-4ના પીઆઇ એસ. ડી. ગીલવાની ફરિયાદ પરથી પરા પીપળીયા ગામના મુન્નો કોઠીવાર અને બાઇકના ચાલક સામે વાહન ડિટેઇનની કાર્યવાહી વખતે પીઆઇ સાથે ઉગ્રતાથી વાત કરી હું તમને રાજકોટમાં નોકરી કરવા નહિ દઉં, તમાર પટ્ટા ટોપી ઉતરાવી નાંખીશ તેવી ધમકી આપી ફરજમાં રૂૂકાવટનો ગુનો નોંધ્યો પીઆઇ એસ. ડી. ગીલવાએ જણાવ્યું છે કે તેઓ ટ્રાફિક શાખા સેક્ટર નં. 4ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. તારીખ 01/06/2026 ના રોજ રાત્રિના સમયે સરકારી બોલેરો ગાડીમાં સ્ટાફ અને ટ્રાફિક બ્રિગેડના સભ્યો સાથે પેટ્રોલિંગમાં હતા. રાત્રીના આશરે પોણા આઠેક વાગ્યે 150 ફૂટ રીંગ રોડ પર પરશુરામ ચોકડી પાસે હતાં ત્યારે અહિંથી એક નંબર પ્લેટ વગરનું ડમ્પર પસાર થતાં પોલીસે તેને રોકયું હતું.

ડમ્પર ચાલકની પુછતાછ કરતાં તેણે પોતાનું નામ મહેશભાઈ બચુભાઈ શીરોયા હોવાનું અને પોતે મોરબી રોડ જકાતનાકા પાસે રહેતો હોવાનું કહ્યું હતું. તેની પાસે ડમ્પરના આરટીઓના કાગળો માંગતા તેની પાસે પૂરતા દસ્તાવેજો નહોતા. આથી કાયદેસરની કાર્યવાહી કરી ડમ્પરને શીતલ પાર્ક ટોઈંગ સ્ટેશન ખાતે ડિટેઈન કરવા માટે ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ સંજયસિંહને ડમ્પરમાં સાથે બેસાડવામાં આવ્યા હતા. પોલીસની ગાડી આગળ ચાલતી હતી અને તેની પાછળ કોન્સ્ટેબલ સાથેનું ડમ્પર આવી રહ્યું હતું. આ દરમિયાન શીતલ પાર્ક ચોક પાસે નવી બનતી ધ કેપિટલ બિલ્ડીંગ નજીક પહોંચતા એક કાળા કલરની નંબર પ્લેટ વગરની મહિન્દ્રા થાર કારના ચાલકે પોતાનું વાહન ડમ્પરની આડે રાખી દીધું હતું.

આ થાર કારની સાથે એક સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ ઉપર પણ એક શખ્સ આવ્યો હતો. થાર ગાડી આડી રાખતા જ પીઆઇ એસ. ડી. ગીલવા અને તેમનો સ્ટાફ નીચે ઉતર્યો હતો. થાર કારમાંથી ઉતરેલા શખ્સે પીઆઇ ગીલવા અને પોલીસ કર્મચારી સંજયસિંહ સાથે અત્યંત ઉગ્રતાથી વાતચીત શરૂૂ કરી હતી અને રોફ જમાવતા કહ્યું કે-તમે આ અમારું વાહન કેમ ડિટેઈન કરો છો? તમે મને ઓળખતા નથી? મારું નામ મુન્નો કોઠીવાર છે અને હું પીપળીયા ગામમાં રહું છું. આ પછી તેણે ખુલ્લી ધમકી આપતાં કહ્યું હતું કે- જો તમે મારી ગાડી ડિટેઈન કરશો તો હું તમને રાજકોટમાં નોકરી કરવા નહીં દઉં અને તમારા પટ્ટા-ટોપી ઉતરાવી નાખીશ. આ પ્રકારની ગુનાહિત ધમકી આપીને મુન્નો કોઠીવાર પોતાની થાર કાર લઈને અને તેનો સાગરીત મોટરસાયકલ લઈને ત્યાંથી નાસી છૂટયા હતા.

આ ઘટના બાદ ટ્રાફિક પોલીસે કાયદેસરની કાર્યવાહી ચાલુ રાખીને ચેસીસ ડમ્પરને એમ.વી.એક્ટની વિવિધ કલમો હેઠળ ડિટેઈન કર્યું હતું. ત્યારબાદ સમગ્ર ઘટના અંગે ઉચ્ચ અધિકારીઓને વાકેફ કરવામાં આવ્યા હતા. ઉચ્ચ અધિકારીઓએ ફરિયાદ દાખલ કરાવવાની સૂચના આપતાં પીઆઇ એસ. ડી. ગીલવાએ ગાંધીગ્રામ પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો. પીઆઇ એચ. પી. ગઢવીની રાહબરીમાં હેડકોનસ. આર. ડી. બારૈયાએ ગુનો દાખલ કરતાં આગળની તપાસ પીએસઆઇ ડી. જે. જોષીએ હાથ ધરી છે.