ગુજરાત
મેગીની દુકાનમાં દારૂડિયાઓની ધમાલ, વેપારીનો અંગૂઠો કાપી નાખ્યો
ઓર્ડર આપ્યા બાદ જમવાનું સમયસર ન આપતા પીધેલા શખ્સોએ પીત્તો ગુમાવ્યો, ગ્રાહકોને પણ ભાંડી ગાળો
કાલાવડ રોડ ઉપર સ્વામિનારાયણ મંદિર સામે મોડી રાત્રે બે જૂથ વચ્ચે બઘડાટી, બે ઘવાયા
રાજકોટ શહેરમાં દિવાળીના તહેવાર ટાણે જ મારામારી સહીતની ઘટનાઓ સામે આવી છે. ત્યારે લોકો તહેવારો શાંતિથી ઉજવી શકે માટે પોલીસ દ્વારા રાત્રી પેટ્રોલીંગ પણ વધાર્યું છે. ત્યારે કાલાવડ રોડ પર આવેલ સ્વામીનારાયણ મંદિરની સામે મેગીની દુકાનમાં ઓર્ડર મોડો આપવા મામલે માથાકુટ થઇ હતી અને આ ઘટનામાં સામસામી મારામારી થતા બે વ્યકિતને ઇજા પહોંચી હતી અને ખાણીપીણીના ધંધાર્થીનો અંગુઠો કપાઇ ગયો હતો. આ મામલે રાત્રીના સમયે માલવીયા પોલીસે દોડી જઇ સામસામી ફરીયાદ નોંધી હતી.
આ બનાવની વધુ મળતી વિગતો મુજબ ભગવતીપરાના દતાત્રેય સ્કુલ પાછળ રહેતા જીગર જીલુભાઇ ગોગરા (આહીર) (ઉ.વ.30) ગઇકાલે રાત્રીના પોણા બે વાગ્યે પોતે કાલાવડ રોડ પર સ્વામીનારાયણ મંદિરની સામે બાલાજી મેગીમાં હતો ત્યારે બળવંત, ઘનશ્યામ, વિપુલ, હાર્દીક અને અજાણ્યા શખ્સોએ માથામાં છરી ઝીંકી દેતા ઇજા પહોંચી હતી.આ ઘટનામાં ઘવાયેલા જીગરને સારવાર માટે સીવીલ હોસ્પીટલે ખસેડાયો હતો. જીગરે આક્ષેપો સાથે જણાવ્યું હતું કે પોતે ડ્રાઇવીંગ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઇકાલે કૌટુંબીક ભાઇ વરૂણ જીવણ જીલરીયા (ઉ.26), મિત્ર સોયબ (રહે.બજરંગવાડી) સહીતના મિત્રો જમવા માટે કાલાવડ રોડ પર સ્વામીનારાયણ મંદિરની સામે બાલાજી મેગીમાં ગયા હતા ત્યાં અડધી કલાક થઇ ગયા છતા ઓર્ડર મુજબ જમવાનું ન મળતા ત્યાંના સંચાલક બળવંતભાઇને જણાવ્યું કે કેટલીવાર લાગશે ત્યારબાદ આ લોકોએ માથાકુટ કરી અને હુમલો કર્યો હતો.
જયારે સામાપક્ષે ગાંધીગ્રામમાં રહેતા મેગીના ધંધાર્થી બળવંતભાઇ ઘનશ્યામભાઇ રાજા (ઉ.વ.50)એ જણાવ્યું હતું કે ગઇકાલે રાત્રીના પોણા બે વાગ્યાના સમયગાળામાં તેઓ પોતાની બાલાજી મેગીની દુકાને હતા ત્યારે અજાણ્યા શખ્સોને છરી વડે હુમલો કરતા હાથે અને શરીરે ઇજા કરી હતી.આ હુમલામાં તેમના હાથનો અંગુઠો કપાયો હતો. તેમને સારવાર માટે સિવિલ હોસ્પીટલે ખસેડવામાં આવ્યો હતો.
બળવંતભાઇએ ફરીયાદમાં જણાવ્યું હતું કે ગઇકાલે મોડીરાત્રે છ ગ્રાહક આવ્યા હતા અને તેઓનો ઓર્ડર મોડો થતા ગ્રાહકોને ગાળો દેવા લાગ્યા હતા તેમને ગાળો આપવાની ના પાડતા તેઓએ માથાકુટ કરી હતી અને હુમલો કર્યો હતો. આ આરોપીઓમાં એક જીગો નામનો એક શખ્સ હતો. આ મામલે રાત્રીના સમયે માલવીયાનગર પોલીસના પીઆઇ જે.આર. દેસાઇ અને ટીમે પહોંચી આરોપીઓને સકંજામાં લેવા તજવીજ શરૂ કરી છે.
આઠેક મહિના પહેલા આ દુકાને માથાકૂટ થઇ હતી
સામાન્ય રીતે ચાની હોટેલ, પાનના ગલ્લા અને ખાણીપીણીની દુકાને માથાકુટ થતી રહે છે. ગઇકાલે કાલાવડ રોડ પર સ્વામીનારાયણ મંદિરની સામે બાલાજી મેગીની દુકાનમાં ઓર્ડર ોડો આવતા બે પક્ષ વચ્ચે માથાકુટ થઇ હતી. આ સ્થળે ઓઠક મહીના પહેલા પણ મારામારી થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.