મોરબીના લીલાપરમાં સ્પીડબ્રેકરના કારણે સ્કૂટર સાથે ઉલળીને પટકાયેલા ચાલકનું મોત

મોરબીના નાની વાવડી ગામે રહેતો યુવાન કામ પરથી ઘરે જઈ રહ્યો હતો ત્યારે લીલાપર ગામ પાસે અચાનક સ્પીડ બ્રેકર આવતાં યુવાન સ્કુટર સાથે ઉલળીને પટકાયો…

મોરબીના નાની વાવડી ગામે રહેતો યુવાન કામ પરથી ઘરે જઈ રહ્યો હતો ત્યારે લીલાપર ગામ પાસે અચાનક સ્પીડ બ્રેકર આવતાં યુવાન સ્કુટર સાથે ઉલળીને પટકાયો હતો. અકસ્માતમાં ઘવાયેલા યુવકે રાજકોટ સારવારમાં દમ તોડી દેતાં પરિવારમાં શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

જાણવા મળતી વિગત મુજબ, મોરબીના નાની વાવડી ગામે રહેતાં સંદીપ મધુસુદનભાઈ જાની નામનો 34 વર્ષનો યુવાન બે દિવસ પૂર્વે રાત્રીના સાડા નવેક વાગ્યાના અરસામાં પોતાનું સ્કુટર લઈને લીલાપર ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે નવા બનેલા સ્પીડ બ્રેકરના કારણે યુવકનું બાઈક સ્લીપ થતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં યુવકની સારવાર કારગત નિવડે તે પૂર્વે યુવાને હોસ્પિટલના બીછાને દમ તોડી દેતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

પ્રાથમિક પુછપરછમાં મૃતક યુવાન બે ભાઈ એક બહેનમાં નાનો હતો અને તેને સંતાનમાં બે પુત્ર છે. સંદીપ જાની કારખાનામાં કામ કરી ઘરે પરત ફરતો હતો ત્યારે લીલાપર ગામ પાસે નવા બનેલા સ્પીડબ્રેકરના કારણે સ્કુટર સાથે યુવાન પટકાતા મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.