શહેરમાં આનંદનગર કોલોનીમાં રહેતા યુવકની રિક્ષા ચાર દિવસ પૂર્વ એ ડિવિઝન પોલીસે લાયસન્સ, વિમો અને રિક્ષાના કાગળો ન હોવાથી ડિટેઇન કરી હતી. જેનો આરટીઓનો દંડ 22 હજાર આવતા રિક્ષા ચાલકે ઝેરી ટીકડા ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કોઠારિયા રોડ પર આવેલ આનંદ નગર કોલોનીમાં રહેતા સિધ્ધાર્થપરી ભરતપરી ગોસ્વામી નામનો 40 વર્ષનો યુવાન સાંજના સાડા ચારેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે ઝેરી ટીકડા ખાઇ લીધા હતા. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસને જાણ કરતા ભક્તિનગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને આપઘાતનો પ્રયાસ કરનાર યુવકનુ નિવેદન નોંધ્યુ હતું.
પ્રાથમિક પૂછપરછમાં સિધ્ધાર્થપરી ગોસ્વામી બે ભાઇ ત્રણ બહેનમાં નાનો છે અને તેને સંતાનમાં બે પુત્ર છે. સિધ્ધાર્થપરી રિક્ષા ચલાવી પરિવારનુ ગુજરાન ચલાવે છે. 15 ઓગષ્ટની આગલી રાત્રે એ ડિવિઝન પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતું. તે દરમિયાન સિધ્ધાર્થપરી ગોસ્વામી પાસેથી પોલીસે રિક્ષાના કાગળો, વીમો અને લાયસન્સ જેવા ડોક્યુમેન્ટ માંગ્યા હતા. પરંતુ સિધ્ધાર્થપરી પાસે કોઇ પ્રકારના ડોક્યુમેન્ટ ન હોવાથી પોલીસે રિક્ષા ડિટેઇન કરી મેમો આપ્યો હતો. સિધ્ધાર્થપરી આરટીઓ ખાતે દંડ ભરવા ગયો હતો. ત્યારે રૂા.22 હજારનો મેમો હોવાની સિધ્ધાર્થપરીને જાણ કરવામાં આવી હતી. જેના કારણે સિધ્ધાર્થપરીએ ઝેરી ટીકડા ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે ભક્તિનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
