રશિયા, ચીન, ઇરાનની ત્રિપક્ષીય ધરી રચાવાનો આરંભ: જરૂર પડે તો ઇરાનમાં સૈન્ય ઉતારવા ટ્રમ્પની ધમકી: યુદ્ધમાં કુલ 750નાં મોત
અમેરીકા-ઇઝરાયેલના ઇરાન સાથેના યુધ્ધમાં વધુ એક હોનહાર વળાંક રૂપે દુનિયાની વધુ એક મહાસત્તા ચીને આ ખાડી યુધ્ધમાં ઝંપલાવવાનો નિર્ણય લેતા અને અમેરિકી તાકાત સામે ઝાંખા પડતા ઇરાનની પડખે રહી તેના સમર્થનમાં પોતાના ખતરનાક વિમાન વાહક વિનાશક યુધ્ધ જહાજોને ઇરાનના દરિયા તરફ રવાના કર્યા છે.
જેમાંથી ટાઇપ-055 ડિસ્ટ્રોયર તો ઓલરેડી આજે વહેલી સવારે ઇરાનની જળસીમામાં પ્રવેશી ચુકયું છે અને ચીની નૌસેના કમાન્ડરોએ ઇરાનિયન નૌકાદળોના સાથેનું સંકલન સાધીને યુધ્ધનો વ્યુહ નક્કી કરવાની અને અમેરિકાને રોકવા અને જરૂર પડે તો પછાડવાની તૈયારી કરી લીધી છે. ઇરાન અને અમેરિકા વચ્ચે પ્રતીકાત્મક રીતે ગોઠવાયેલું ચીન પરોક્ષ રીતે અમેરિકાને સ્ટેટસ-કો મેઇન્ટેન કરીને સ્થગિત કરવાની કોશિશ છે અને આ ભાષામાં અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ન સમજે તો ચીની લડાયક જહાજ પરથી અમેરિકા અને અમેરિકન ઠેકાણા- થાણાઓ પર વિઘાતક હુમલાઓની ઇરાનની તરફેણમાં ચીન શરૂઆત કરી શકે છે.
આજ સુધીમાં ઇરાન યુધ્ધમાં કુલ સર્વપક્ષે 750થી વધુ લોકો માર્યા ગયા છે અને હજુ વિવિધ હુમલાઓ દ્વારા હિંસાચાર ચાલુ છે. નીચે પોતાના યુધ્ધ જહાજો ઇરાન કિનારા તરફ રવાના કર્યા એ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે એવી ધમકી ઉચ્ચારી છે કે જરૂર પડે તો અમેરિકા હવે ઇરાનની ધરતી પર પોતાની સેના ઉતરાશે અને તો યુધ્ધ વધુ લાંબુ ચાલશે.
ચીનના ઓછામાં ઓછા એક કે તેથી વધુ ટાઇપ-055 ડિસ્ટ્રોયર ઇરાની પાણી માટે રવાના થયા છે, અને એક ઇરાની પાણીમાં પ્રવેશી ચૂક્યું છે – આંતરરાષ્ટ્રીય સમાચાર માધ્યમો સૂચવે છે કે આ વિમાનોમાં વિઘાતક હુમલાખોર અને વિમાનવાહક જહાજો પણ છે. જો કે ચીને રવાના કરેલા બેડામાં કુલ કેટલા જહાજો છે તે નકકી નથી.
ઇરાન, યુએસએ અને વિશાળ ક્ષેત્ર સાથે સંકળાયેલા ચાલી રહેલા તણાવ વચ્ચે આ એક ગંભીર ઘટના છે. ઇરાની સમાચાર માધ્યમોએ જણાવ્યું હતું કે ચીની અદ્યતન ટાઇપ-055 ડિસ્ટ્રોયરની જમાવટ રશિયા, ચીન અને ઇરાનની ત્રિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારીનો પુરાવો છે. અગાઉની પોસ્ટમાં સેટ્રોસિયા દ્વારા અહેવાલ મુજબ, ત્રણેય ઓમાનના અખાતમાં સંયુક્ત નૌકાદળ કવાયત માટે તૈયારી કરી રહ્યા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક અત્યંત સ્ફોટક નિવેદન આપીને વૈશ્વિક રાજનીતિમાં હલચલ મચાવી દીધી છે. ન્યૂ યોર્ક ખાતે મીડિયા સાથેની વાતચીતમાં ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે તેહરાનમાં થયેલા ભારે વિનાશ અને ઈરાનની પરમાણુ ગતિવિધિઓને રોકવા માટે જરૂૂર પડશે તો તેઓ અમેરિકી ભૂમિ સૈન્યને ઈરાનની ધરતી પર ઉતારતા અચકાશે નહીં. ઈરાન પર સતત થઈ રહેલા હુમલાઓ વચ્ચે ટ્રમ્પનું આ વલણ આવનારા દિવસોમાં મોટા સૈન્ય સંઘર્ષ અને સંભવિત વિશ્વ યુદ્ધ તરફ ઈશારો કરી રહ્યું છે.
અમેરિકી પ્રમુખે જણાવ્યું હતું કે ઈરાન વિરુદ્ધ ચાલી રહેલું ’ઓપરેશન એપિક ફ્યુરી’ ધારણા કરતા વધુ ઝડપથી આગળ વધી રહ્યું છે. ટ્રમ્પના મતે, આ સૈન્ય અભિયાનમાં તેહરાનના 49 જેટલા ઉચ્ચ સ્તરીય અધિકારીઓ અને નેતૃત્વનો સફાયો કરવામાં આવ્યો છે. તેમણે ગર્વ સાથે ઉમેર્યું કે, જે કામ પૂર્ણ કરવામાં સૈન્ય નિષ્ણાતોએ 4 અઠવાડિયાનો સમય ધાર્યો હતો, તે અમેરિકી દળોએ માત્ર 1 દિવસમાં કરી બતાવ્યું છે. અન્ય રાષ્ટ્રપતિઓની સરખામણીએ પોતાની આક્રમક નીતિ સ્પષ્ટ કરતા તેમણે કહ્યું કે, તેઓ ભૂમિ દળો મોકલવાની શક્યતાને ક્યારેય નકારતા નથી.
ઈરાન દ્વારા સંભવિત આતંકવાદી હુમલા કે વળતા પ્રહાર અંગે પૂછવામાં આવતા ટ્રમ્પે નિર્ભયતાથી જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે અમેરિકા પાસે સચોટ ગુપ્ત માહિતી છે અને તેઓ કોઈપણ પ્રકારની પ્રતિક્રિયાનો સામનો કરવા સજ્જ છે. રવિવાર, 1 માર્ચના રોજ જ્યાં યુદ્ધ લાંબુ ચાલવાની શક્યતા હતી, ત્યાં સોમવારની સ્થિતિ જોતા ટ્રમ્પે સંકેત આપ્યો છે કે ઈરાનનું વર્તમાન નેતૃત્વ નબળું પડ્યું છે અને ખૂબ જ ટૂંકા ગાળામાં અમેરિકા સંપૂર્ણ વિજય મેળવી લેશે. આ નિવેદને પશ્ચિમ એશિયામાં ભારે તંગદિલી પેદા કરી દીધી છે.
અમેરિકાએ 15 દેશોમાંથી પોતાના નાગરિકોને તાત્કાલિક પરત બોલાવ્યા
ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલી હુમલાઓને પગલે સમગ્ર મધ્ય પૂર્વ હવે આગમાં છે. ઈરાન ખાડી દેશો પર હુમલાઓ શરૂૂ કરીને આ હુમલાઓનો બદલો લેવાનું ચાલુ રાખે છે, જ્યારે અમેરિકા અને ઇઝરાયલ તેહરાનને આતંકિત કરવાનું ચાલુ રાખે છે. ગયા સોમવારે ઈરાની ડ્રોન અને મિસાઈલ હુમલામાં ખાડી દેશોમાં અનેક લોકોના મોત બાદ પરિસ્થિતિ વધુ વણસી છે. આવી સ્થિતિમાં, અમેરિકા તેના નાગરિકોને તેણે લગાવેલી આગથી બચાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. વધતા સુરક્ષા ખતરા વચ્ચે, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે સોમવારે તેના નાગરિકોને તાત્કાલિક એક ડઝનથી વધુ મધ્ય પૂર્વીય દેશો છોડી દેવા વિનંતી કરી. કોન્સ્યુલર બાબતોના સહાયક રાજ્ય સચિવ મોરા નામદારે જણાવ્યું હતું.
કે સુરક્ષા જોખમોને ધ્યાનમાં રાખીને, યુએસ નાગરિકોએ ઉપલબ્ધ વિકલ્પો દ્વારા શક્ય તેટલી વહેલી તકે આ દેશો છોડી દેવા જોઈએ. આ સલાહ બહેરીન, ઇજિપ્ત, ઈરાન, ઇરાક, ઇઝરાયલ, પશ્ચિમ કાંઠો અને ગાઝા, જોર્ડન, કુવૈત, લેબનોન, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા, સીરિયા, સંયુક્ત આરબ અમીરાત અને યમન પર લાગુ પડે છે. તાજેતરના દિવસોમાં, સંરક્ષણ વિભાગે આ દેશો માટે મુસાફરી ચેતવણીઓ અપડેટ કરી છે, જેમાં મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવી છે.

