ગુજરાત
દોસ્ત દોસ્ત ના રહા: વ્યાજખોર મિત્રની પઠાણી ઉઘરાણીથી યુવકનો આપઘાતનો પ્રયાસ
પાંચ લાખના 17 લાખ ચૂકવ્યા છતા ત્રાસ આપતા એકતા સોસાયટીના યુવાને ન્યારા ગામ પાસે ઝેર પીધુ
શહેરની ભાગોળે આવેલા પરા પીપળીયા ગામે એકતા સોસાયટીમાં રહેતા યુવાને બે વર્ષ પૂર્વે કાલાવડ રહેતા મિત્ર પાસેથી લીધેલા રૂૂપિયા પાંચ લાખના રૂૂ.17 લાખ ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોર મિત્ર પઠાણી ઉઘરાણી કરી ત્રાસ આપતો હોવાના આક્ષેપ સાથે યુવાને ન્યારા ગામ પાસે ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરની ભાગોળે આવેલા પરા પીપળીયા ગામે એકતા સોસાયટીમાં રહેતા અબ્દુલ હુસેનભાઇ દેથા નામનો 35 વર્ષનો યુવાન સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામાં ન્યારા ગામ પાસે આવેલી દરગાહ પાસે હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે પડધરી પોલીસને જાણ કરતા પડધરી પોલીસ મથકનો સ્ટાફ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં અબ્દુલ દેથા ત્રણ ભાઈમા વચ્ચેટ છે અને તેને સંતાનમાં એક પુત્રી છે. અબ્દુલ દેથાએ બે વર્ષ પહેલા કાલાવડ રહેતા મિત્ર ઈકબાલ પાસેથી રૂૂપિયા પાંચ લાખ લીધા હતા અને જે પાંચ લાખના બદલે રૂૂ.17 લાખ ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોર મિત્ર રૂૂ.17 લાખની પઠાણી ઉઘરાણી કરતો હતો અને તને પતાવી દેવો છે તેમ કહી ધમકી આપતો હોવાથી અબ્દુલ દેથાએ ઝેરી દવા પી લીધી હોવાનું અને ઈકબાલના ત્રાસથી અબ્દુલ દેથા અગાઉ પાંચ માસ પૂર્વે ઘરેથી ભાગી ગયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.