ફરહાન અખ્તર અને રિતેશ સિદ્ધવાણીની ડોન 3નો વિવાદ થોડાં દિવસથી ચર્ચામાં છે. હવે આ મુદ્દો કાનુની લડત તરફ આગળ વધી ગયો છે. બુધવારે અહેવાલો હતા કે રણવીર સિંહે હવે અસહકારના આદેશો બાદ લીગલ નોટિસ મોકલી છે. તેણે FWICEને મંગળવારે નોટિસ મોકલી છે. પરંતુ બુધવારે બપોરે FWICE દ્વારા વધુ એક વખત એક પ્રેસ કોન્ફરન્સ બોલાવાઈ હતી, જેમાં તેમણે અસહકારના આદેશો પાછા ખેંચવાની જાહેરાત કરી હતી.
આ કોન્ફરન્સમાં FWICEના ચીફ એડવાઇઝર અશોક પંડિત અને પ્રમુખ બિરેન્દ્રનાથ તિવારી તેમજ જનરલ સેક્રેટરી અશોક દુબે હાજર રહ્યા હતા. આ કોન્ફરન્સમાં અસોક પંડિતે કહ્યું, ’અમે આ મામલે ઇન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યુસર્સ એસોસિએશન અને તેના પ્રમુખ અભય પ્રમુખ દ્વારા દર્શાવવામાં આવેલી ચિંતા અને હસ્તક્ષેપની હૃદયપૂર્વક આવકારીએ છીએ. ફિલ્મ ઉદ્યોગ અને તેના સભ્યોના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને અને સંપૂર્ણ સન્માન સાથે, અમે આ દ્વારા જાણ કરીએ છીએ કે રણવીરસિંહ વિરુદ્ધ જાહેર
કરાયેલ અસહકાર નિર્દેશને તાત્કાલિક અસરથી પાછો ખેંચી રહ્યા છીએ.
અમે આ પગલું સદભાવના સાથે લઈ રહ્યા છીએ અને IMPPA દ્વારા આપવામાં આવેલી ખાતરી પર વિશ્વાસ રાખીએ છીએ કે સંબંધિત તમામ પક્ષો સાથે ગંભીર અને રચનાત્મક સ્તરે ચર્ચા કરવામાં આવશે, જેથી શક્ય તેટલી વહેલી તકે સૌને સ્વીકાર્ય, ન્યાયસંગત અને પરસ્પર લાભદાયી ઉકેલ મળી શકે. ફેડરેશન તરફથી અમે રણવીર સિંહને વિનંતી કરવા માંગીએ છીએ કે આવો, સાથે બેસીએ. આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું પરિવાર તમારું પણ છે, અમારું પણ છે અને સૌનું છે.
ફરહાને પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયાનો સંપર્ક કર્યો હતો અને ઇન્ડસ્ટ્રીના 25 સિનિયર સભ્યો સાથે એક બેઠક યોજી હતી, જેમાં સલમાન ખાન, હ્રિતિક રોશન, કરણ જોહર અને આલિયા ભટ્ટ સહિતના લોકો હાજર હતાં. પછી પણ એક બેઠક થઈ જેમાં રણવીર અને ફરહાન ઉપરાંત આમિર ખાન, અનિલ કપૂર, રોહિત શેટ્ટી, રાજકુમાર હિરાની, આશુતોષ ગોવારીકર અને સિદ્ધાર્થ રોય કપૂર સહિતનાં લોકો હાજર હતા. આ બેઠકમાં રણવીરનો દાવો હતો કે તેને સ્ક્રિપ્ટથી તો સંતોષ નહોતો જ, તેની ફી પણ પાછળથી ઘટાડી દેવામાં આવી હતી, ફિલ્મનું બજેટ પણ પહેલાં 300થી 350 કરોડ હતું જે ઘટીને 150 કરોડ કરી દેવાયું હતું, સાથે જ તેણે કોઈ સાઇનિંગ અમાઉન્ટ લીધાનો પણ ઇનકાર કર્યો હતો. રીતેશ સિદ્ધવાની સાથેની ચર્ચામાં રણવીરે એવું પણ કહ્યું હતું કે રણવીરે કબુલ્યું હતું કે જો ધુરંધર ફ્લોપ ગઈ હોત તો તેણે ડોન 3 ન છોડી હોત.
