Site icon Gujarat Mirror

બસપોર્ટમાં કૂતરાના અડિંગા, મુસાફરોમાં ભય

ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી, જીગ્નેશભાઈ બોરડ, પટેલ જેન્તીભાઈ હિરપરા, એડવોકેટ ભાવનાબેન વાઘેલા, સરલાબેન પાટડીયા, પ્રફુલાબેન ચૌહાણ ની સંયુક્ત યાદી જણાવે છે કે રાજકોટ એસ.ટીનું બસ પોર્ટ બોડી બામણીનું ખેતર અને બાવો રખોલ્યો જેવી સ્થિતિ છે. અંધેરી નગરી ગંડુ રાજા જેવો વહીવટ ચાલે છે તેનો વખતો વખત પર્દાફાશ મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા કરવામાં આવ્યો છે.

જે રાજકોટ ડિવિઝનના રેકોર્ડ ઉપર અને એસ.ટી વડી કચેરીના રેકોર્ડ પર મૌજુદ છે. રાજકોટ એસ.ટી બસ પોર્ટ પર રોજિંદા 80,000 ની આસપાસ મુસાફરોની અવર જવર રહે છે. મુસાફરોએ ખિસ્સા કાતરૂૂ અને પોતાના માલ સામાનની ચોર, લુંટારાથી સાવધ રહેવાની સાથો સાથ હવે ડાઘીયા કુતરાઓ કરડી ન જાય તેનું પણ ધ્યાન રાખવું પડશે. આજે સવારે 10:00 વાગ્યા ની આસપાસ કનક રોડ ઉપર થી એસટી બસના એન્ટ્રીગેટ માંથી એક સાથે ત્રણ-ત્રણ કુતરાંઓ આવી ગયા હતા અને પ્લેટફોર્મ નંબર 1 અને 2 ની આસપાસ આટા ફેરા કર્યા બાદ નીચે પાર્કિંગમાં જતા રહ્યા હતા. બે દિવસ પહેલા મુસાફરોની પાછળ કુતરાઓએ દોટ મૂકી હોવાનું પણ જાણવા મળેલ છે.

ગુજરાતના અનેક એસ.ટી બસ સ્ટેશનો અને પીકઅપ સ્ટેન્ડ પરના બસ સ્ટેશનો ઢોર, કુતરાઓના આટા ફેરા જોવા મળતા હોય છે. કરોડો રૂૂપિયાના એસ.ટી બસ સ્ટેશનો મુસાફરો માટે બનાવવામાં આવ્યા છે નહીં કે ઢોર અને કુતરા માટે અનેક એસટી બસ સ્ટેશન ઉપર મુસાફરોને બેસવાની જગ્યા પર ડાઘીયા કુતરાઓના અડીંગા જોવા મળ્યા છે.

આજે સૌરાષ્ટ્રના પાટનગર સમાન અને 175 કરોડના ખર્ચે બનાવેલા રાજકોટ એસ.ટી બસ પોર્ટ પર કુતરાના જે રીતે ઝુંડ જોવા મળ્યા તે અંગે જવાબદારી કોની ? સીસી ફૂટેજ મેળવી વિભાગીય નિયામક જવાબદાર કોન્ટ્રાક્ટર અને ડેપો મેનેજર સામે સખ્ત કાર્યવાહી કરવાની માંગ ઉપરોક્ત મુસાફર હિતરક્ષક સમિતિના આગેવાનોએ કરી છે.

Exit mobile version