ક્રિમીલેયર ચૂકાદો ભૂતકાળથી લાગુ નહી પાડવો: કેન્દ્રની સુપ્રીમને વિનંતી

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને વિનંતી કરી છે કે ઓબીસી અનામતમાં ક્રીમી લેયર નક્કી કરવા અંગેનો 11 માર્ચ 2026નો ચુકાદો ભૂતકાળથી ન લાગુ પાડવામાં આવે. સરકાર…

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને વિનંતી કરી છે કે ઓબીસી અનામતમાં ક્રીમી લેયર નક્કી કરવા અંગેનો 11 માર્ચ 2026નો ચુકાદો ભૂતકાળથી ન લાગુ પાડવામાં આવે. સરકાર કહે છે કે ચુકાદો આગળથી લાગુ થાય અને અમલ માટે બે વર્ષનો સમય મળે. કોર્ટે ચુકાદો 2012થી લાગુ કરવાનો હતો, જ્યારે કેસ પહેલી વાર દાખલ થયો હતો.
માર્ચના ચુકાદામાં ન્યાયમૂર્તિ પી.એસ. નરસિંહા અને ન્યાયમૂર્તિ આર. મહાદેવનની બેન્ચે યુનિયન ઓફ ઈન્ડિયા વિરુદ્ધ રોહિથ નાથન કેસમાં કહ્યું હતું કે ઉમેદવાર ક્રીમી લેયરમાં છે કે નહીં તે ફક્ત માતા-પિતાની આવક જોઈને નક્કી કરી શકાય નહીં. માતા-પિતાની નોકરીનો દરજ્જો અને પોસ્ટની શ્રેણી પણ જોવી પડે. આવક-સંપત્તિની કસોટી વધારાનો આધાર રહે, એકમાત્ર આધાર નહીં. કોર્ટે કહ્યું કે 8 સપ્ટેમ્બર 1993ની ઓફિસ મેમોરેન્ડમ મુજબ પગારની આવક અને ખેતીની આવકને આવક-સંપત્તિની ગણતરીમાં ઉમેરવી ન જોઈએ. ક્રીમી લેયર બાકાત કરવાનો હેતુ સામાજિક દરજ્જો જોવાનો છે, ફક્ત ઘરની કુલ પગાર જોવાનો નહીં.

વિવાદ 2004ની સ્પષ્ટતા પત્રિકાથી ઊભો થયો હતો. 1993ના નિયમમાં સરકારી નોકરી કરતા માતા-પિતાના પગારને ક્રીમી લેયરની ગણતરીમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. પણ 14 ઓક્ટોબર 2004ની સ્પષ્ટતામાં કહેવાયું કે જ્યાં પીએસયુ, બેંક, વીમો કે ખાનગી કંપનીની પોસ્ટની સરકારી પોસ્ટ સાથે સમકક્ષતા નક્કી ન થઈ હોય ત્યાં માતા-પિતાનો પગાર ગણતરીમાં લેવો.

તેથી પીએસયુ કે ખાનગી ક્ષેત્રના અધિકારીઓના બાળકો પગાર ₹8 લાખથી વધુ હોવાથી ક્રીમી લેયરમાં મુકાઈ ગયા, જ્યારે સમાન દરજ્જાના સરકારી અધિકારીઓના બાળકો બહાર રહ્યા. કોર્ટે કહ્યું કે 2004ની પત્રિકા 1993ના મૂળ નિયમને બદલી શકે નહીં અને આવો ભેદભાવ અનુચ્છેદ 14 અને 16નું ઉલ્લંઘન છે. સરકારની અપીલો નામંજૂર કરીને કોર્ટે છ મહિનામાં દાવાઓ ધ્યાને લેવા અને જરૂૂર પડે તો સુપરન્યુમરરી પોસ્ટ બનાવવાનો આદેશ આપ્યો હતો. કેસ સિવિલ સર્વિસ ઈગ્ઝામ 2012 અને 2013ના ઉમેદવારોથી શરૂૂ થયો હતો, જેમાં એકના પિતા એચસીએલમાં અને બીજાના પિતા પીએસયુમાં હતા.

એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ હવે કહ્યું કે આ નવા નિયમને 2012થી પાછળ લાગુ કરવાથી તે સમયના પ્રમાણપત્ર પ્રમાણે થયેલી નિમણૂક અને પ્રવેશ ખોરવાઈ શકે. સિનિયોરિટી, કેડર ફાળવણી અને સેવાની શરતોમાં અનિશ્ચિતતા ઊભી થાય. સિવિલ સર્વિસ 2012 પછી નિમાયેલા અધિકારીઓ પર સાંકળની અસર પડે છે.

અને તે ઓબીસી સાથે અનામત વગરની શ્રેણી સુધી પહોંચે. સરકાર કહે છે કે પોસ્ટની સમકક્ષતા નક્કી કરવા અને એકસરખી નીતિ બનાવવા બે વર્ષ જોઈએ. તે ચુકાદાને નબળો પાડવા માંગતી નથી, ફક્ત અમલ પાછળ ખસેડવા માંગે છે જેથી કેસમાં પક્ષકાર ન હોય તેવા નિમાયેલા કર્મચારીઓને અન્યાય ન થાય અને ચાલુ ભરતી અટકે નહીં.