પતિના મૃત્યુના 18 મહિના પછી છૂટાછેડા રદ

વિધવાનો દરજ્જો અને મિલકત પર અધિકાર આપતી હાઇકોર્ટ, ફેમિલી કોર્ટનો હુકમ રદ ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં એક અપીલના ચુકાદામાં પુરુષના મૃત્યુ પછી તેના છૂટાછેડાને રદ કરી…

વિધવાનો દરજ્જો અને મિલકત પર અધિકાર આપતી હાઇકોર્ટ, ફેમિલી કોર્ટનો હુકમ રદ

ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં એક અપીલના ચુકાદામાં પુરુષના મૃત્યુ પછી તેના છૂટાછેડાને રદ કરી દીધા છે. તેના કારણે તેની પત્નીને વિધવાનો દરજ્જો મળ્યો છે અને પતિની મિલકત પર પણ તેને અધિકાર મળ્યો છે. મહિલાના વકીલ અનુસાર, 1976માં લગ્ન કર્યા બાદ આ દંપતી 1986થી અલગ રહેતું હતું. 2020માં પતિએ આણંદની એક ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી હતી. જેમાં પતિએ પત્ની દ્વારા છોડી દીધેલા હોવાને આધારે છૂટાછેડા માંગ્યા હતા, જોકે, પત્નીએ છૂટાછેડાનો દાવો કર્યો ન હતો. ત્યારબાદ સપ્ટેમ્બર 2022માં આણંદની ફેમિલી કોર્ટે લગ્નભંગ અને છૂટાછેડાનો હુકમ કર્યો હતો.

બીજી તરફ 2024માં પતિનું અવસાન થયું તેના 18 મહિના પછી ઑગષ્ટ 2025માં આ મહિલાએ અપીલમાં કોર્ટમાં છૂટાછેડાના હુકમને પડકાર્યો હતો. ગુજરાત હાઇકોર્ટમાં જસ્ટિસ ઇલેશ જે. વોરા અને જસ્ટિસ આર. ટી. વાછાણીની બેન્ચે 9 જુલાઈ 2026ના રોજ આ અપીલ મંજૂર કરી હતી. હાઇકોર્ટે ઠરાવ્યું હતું કે પત્નીએ પતિનો ઇરાદાપૂર્વક ત્યાગ કર્યો હતો તેવો ફેમિલી કોર્ટનો ચુકાદો યોગ્ય ન હોતો. પત્નીના વિધવા તરીકેના દરજ્જા અને મિલકત સંબંધિત અધિકારોને ધ્યાનમાં રાખીને આણંદની ફેમિલી કોર્ટે જે ચુકાદો 19 સપ્ટેમ્બર, 2022ના રોજ આપ્યો હતો તેને સંપૂર્ણપણે રદબાતલ કરવામાં આવ્યો છે. હાઇકોર્ટ દ્વારા નોંધવામાં આવ્યું છે કે, એ વાતમાં કોઈ વિવાદ નથી કે છૂટાછેડાનો આદેશ અને પેન્ડિંગ અપીલ પછી પતિનું અવસાન થયું છે. હાઇકોર્ટે સુપ્રીમ કોર્ટના મહત્ત્વપૂર્ણ યલ્લાવા સામે શંતાવા 1997ના ચુકાદાનો સંદર્ભ લીધો હતો.

આ સમગ્ર કેસની હક્કિત મુજબ એક ખ્રિસ્તી દંપતીએ 1976માં લગ્ન કર્યા હતા. તેમનાં છ બાળકો હતાં. 2020માં પતિએ આણંદની એક ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી દાખલ કરાઈ હતી. જેમાં જણાવાયું હતું કે પતિએ છૂટાછેડા માંગ્યા હતા અને કારણ આપ્યું હતું કે પત્નીએ તેમને છોડી દીધા છે. જોકે, પત્નીએ છૂટાછેડાનો દાવો કર્યો ન હતો. ત્યારબાદ સપ્ટેમ્બર 2022માં ફેમિલી કોર્ટે લગ્નભંગ અને છૂટાછેડાનો હુકમ કર્યો હતો. તે દરમિયાન, 23 ફેબ્રુઆરી, 2024ના રોજ પતિનું અવસાન થયું હતું. તેના 18 મહિના પછી ઑગસ્ટ 2025માં જે મહિલાએ અપીલમાં કોર્ટમાં છૂટાછેડાના હુકમને પડકાર્યો હતો. અને ફેમિલી કોર્ટના આ ચુકાદા સામે પત્નીએ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. પતિના મૃત્યુ બાદ પત્નીએ પતિના કાયદેસરના વારસદારો એટલે કે તેમનાં પોતાનાં જ બાળકોને આ કેસમાં પક્ષકાર તરીકે જોડ્યાં હતાં. આ કેસમાં એવી પણ દલીલ કરવામાં આવી હતી કે પતિના મૃત્યુ પછી, જો છૂટાછેડા હુકમનામું યથાવત્ રહેશે તો વિધવાના દરજ્જા અને સંબંધિત મિલકતના દાવાઓ પર મહિલા અધિકાર પર જોખમ ઊભું થશે.

તેમના વકીલે વધુ માહિતા આપતાં જણાવ્યું હતું કે, પેટલાદ ખાતે તેમનાં લગ્ન થયાં હતાં. તેમનાં છ સંતાનો મહિલાના સમર્થનમાં છે. 1986થી 2019 સુધી પતિ-પત્ની અલગ રહેતાં હતાં. વકીલનું કહેવું છે કે, જ્યાં સુધી 2020માં પતિએ આણંદની એક ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી ત્યાં સુધી તેઓ અલગ જ રહેતાં હતાં. 2022માં આ કેસમાં ફેમિલી કોર્ટે ઍક્સ પાર્ટી સુનાવણી (સામેનો પક્ષ હાજર ન રહે ત્યારે માત્ર હાજર રહેલા એક પક્ષની દલીલો સાંભળીને કરવામાં આવતી સુનાવણી) કરીને લગ્નભંગ અને છૂટાછેડાનો હુકમ કર્યો હતો. ત્યારબાદ, 2024માં જ્યારે પતિ ગુજરી ગયા ત્યાં સુધી મહિલાને ખ્યાલ ન હતો કે પતિએ ઍક્સ પાર્ટી ઑર્ડર લઈ લીધો છે.

જ્યારે મહિલાને ખ્યાલ આવ્યો કે પતિએ ઍક્સ પાર્ટી છૂટાછેડા લીધા છે. ત્યારબાદ મહિલાએ હાઇકોર્ટમાં અપીલ ફાઇલ કરી હતી. અને હવે હાઇકોર્ટે આ છૂટાછેડાને રદબાતલ કરવાનો ઑર્ડર કર્યો હતો. આ આખા કિસ્સામાં સંતાનો તે મહિલાના સમર્થનમાં રહ્યા છે. તે ઉપરાંત પતિના કુટુંબીજનોને પૂછવામાં આવતા તેમણે પણ કોઈ વાંધો લીધો ન હતો. આમાં મુખ્ય બાબત દરજ્જાની છે.