જિલ્લા પોલીસનું ‘ઓપરેશન કારાવાસ-2’ વોન્ટેડ 18 આરોપીઓ ઝડપાયા

પેરોલ જમ્પ અને નાસતા ફરતા આરોપીને પકડવા એલસીબી અને પરોલ સ્કોડની સ્પેશિયલ ડ્રાઇવ રાજકોટ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોધાયેલા ગુનામાં છેલ્લા ત્રણ માસથી લઇ…

પેરોલ જમ્પ અને નાસતા ફરતા આરોપીને પકડવા એલસીબી અને પરોલ સ્કોડની સ્પેશિયલ ડ્રાઇવ

રાજકોટ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોધાયેલા ગુનામાં છેલ્લા ત્રણ માસથી લઇ 13 વર્ષ સુધી ફરાર આરોપીઓને પકડવા માટે એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કોડ દ્વારા ઓપરેશન કારાવાસ-2’ હેઠળ નાસતા ફરતા ગુનેગારો સહિત કુલ 18 આરોપીઓ જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. ગુનેગારોને પકડી પાડવા માટે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ અને સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે.

રાજ્યભરમાં નાસતા ફરતા ગુનેગારો અને પેરોલ જમ્પ કરનારા આરોપીઓને પકડવા માટે ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ અંતર્ગત રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા “ઓપરેશન કારાવાસ-2” સ્લોગન હેઠળ સઘન તપાસ હાથ ધરીને લૂંટ, ધાડ, બળાત્કાર, પોક્સો, સાયબર ફ્રોડ અને છેતરપિંડી જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અને લાંબા સમયથી ફરાર એવા કુલ 18 આરોપીઓને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે.

આ સમગ્ર ઓપરેશન રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય, જિલ્લા પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જરના સીધા માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવ્યું હતું. જેતપુર ડિવિઝનના ડીવાયએસપી આર.એ. ડોડીયાના સુપરવિઝનમાં એલ.સી.બી શાખાના પી.આઈ જે. પી. રાવના નેતૃત્વમાં અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. જેમાં પીએસઆઈ કે.એમ. ચાવડા, એચ.સી. ગોહિલ, આર.વી. ભીમાણી અને પી.એન. ભરવાડ સહિતના સ્ટાફે ટેકનિકલ સેલ અને બાતમીદારોનો મહત્તમ ઉપયોગ કરીને આરોપીઓને લોકેટ કર્યા હતા.

પકડાયેલા આરોપીઓ પોતાની ધરપકડ ટાળવા માટે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓ ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં વેશ પલટો કરીને અથવા છુપાઈને રહેતા હતા. પોલીસની ટીમોએ વતન અને અન્ય રાજ્યોમાં જઈને ઓપરેશન પાર પાડ્યું હતું. ઝડપાયેલા આરોપીઓમાં લૂંટ અને ધાડના કેસમાં છેલ્લા 8 વર્ષથી જેલમાંથી વચગાળાના જામીન પર છૂટીને ફરાર થઈ ગયેલા મધ્યપ્રદેશના સબુરભાઇ મૈડાનો પણ સમાવેશ થાય છે, જેને પકડીને વધુ સજા ભોગવવા જૂનાગઢ જેલ હવાલે કરાયો છે. આ ઉપરાંત 13 વર્ષથી નાસતા ફરતા ખેલુભાઇ બામણીયા અને 11 વર્ષથી વેટ ચોરીના ગુનામાં ફરાર ઉમાશંકર બૈતાલીકને પણ કોટડા સાંગાણી પોલીસે દબોચી લીધા છે. પોલીસની આ કડક કાર્યવાહીથી ગુનેગારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

ઓપરેશન કારાવાસ-2 હેઠળ કુલ 18 આરોપીઓ પૈકી બોટાદનો આરોપી જગદિશ મહેતા તપાસ દરમિયાન મૃત્યુ પામેલ હોવાનું જણાતા પોલીસે તેનું મરણ પ્રમાણપત્ર મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે બાકીના તમામ 17 આરોપીઓની ધરપકડ કરી જે-તે પોલીસ સ્ટેશન અથવા જેલ હવાલે કરવામાં આવ્યા છે.