ધર્મશાલામાં મેચ દરમિયાન ભારતના વિકૃત નકશાથી સોશિયલ મીડિયામાં વિવાદની આગ

જમ્મુ-કાશ્મીર, યુપી, બિહાર અને ઉત્તર-પૂર્વના મોટાભાગના વિસ્તારો ગાયબ ધર્મશાળામાં આઈપીએલ 2026ની ક્વોલિફાયર-1 મેચમાં આરસીબી અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની રોમાંચક લડાઈ વચ્ચે એક અણધારી વિવાદે મેદાન…

જમ્મુ-કાશ્મીર, યુપી, બિહાર અને ઉત્તર-પૂર્વના મોટાભાગના વિસ્તારો ગાયબ

ધર્મશાળામાં આઈપીએલ 2026ની ક્વોલિફાયર-1 મેચમાં આરસીબી અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની રોમાંચક લડાઈ વચ્ચે એક અણધારી વિવાદે મેદાન પરના તાપને પણ વટાવી દીધો. ઇનિંગ્સ બ્રેક દરમિયાન આયોજિત લેસર લાઇટ મ્યુઝિકલ શોમાં ભારતના વિકૃત નક્શાનું પ્રદર્શન થતાં સોશિયલ મીડિયા પર તોફાન મચી ગયું છે.
ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં આયોજિત આ શોમાં આઈપીએલ ટ્રોફીની અંદર ભારતનો નક્શો દર્શાવવામાં આવ્યો હતો. પરંતુ આ નક્શો અધૂરો અને વિકૃત હતો. જમ્મુ-કાશ્મીર, ઉત્તર પ્રદેશ, બિહાર અને ઉત્તર-પૂર્વના મોટા ભાગના વિસ્તારો ગુમ થયેલા જોવા મળ્યા. સિલિગુડી કોરિડોર (ચિક્ધસ નેક) પણ સ્પષ્ટ રીતે દેખાતો ન હતો, જેના કારણે ભારતની અખંડિતતા પર જ સવાલ ઉઠ્યો છે.

નેટિઝન્સે આ ઘટનાને ‘સાદી ગ્રાફિક્સની ભૂલ’ નહીં પરંતુ ‘રાષ્ટ્રીય અખંડિતતા સાથે રમત’ તરીકે વર્ણવી છે. એક યુઝરે લખ્યું, આ નાની ભૂલ નથી, આ ભારતની સરહદો સાથેની અવગણના છે. BCCI અને પ્રોડક્શન ટીમે આને કેવી રીતે મંજૂરી આપી? અન્ય એક યુઝરે કહ્યું, ભારત પ્રત્યેનો ગર્વ એટલે તેના દરેક ભાગને સાચી રીતે રજૂ કરવો. નોર્થ-ઇસ્ટના ભાગો ગુમ છે, આની સ્વીકારોક્તિ અને સુધારો થવો જોઈએ.

આયોજકો તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિસાદ આવ્યો નથી. ઘણા નિષ્ણાતો માને છે કે આ તકનિકી ખામી હોઈ શકે છે, પરંતુ એક રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમમાં આવી ભૂલ સ્વીકાર્ય નથી.