પૂર્વ સભ્ય જોલીત બુસા કોંગ્રેસમાં જોડાયા, પૂર્વ ચેરમેન દંપતીએ પણ ભાજપને કર્યા રામરામ
જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક અસંતોષની જ્વાળાઓ સપાટી પર આવી છે. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન સાકરબેન દિવરાણીયા અને તેમના પતિ અર્જણભાઈ દિવરાણીયાએ ભાજપના સંગઠન સામે ખુલ્લો મોરચો માંડ્યો છે. વર્ષોની વફાદારી બાદ પણ પક્ષમાં થયેલી અવગણનાને કારણે આ દંપતી હવે આમ આદમી પાર્ટી (અઅઙ) તરફ પ્રયાણ કરી રહ્યું છે.સાકરબેન ધંધુસર બેઠક પરથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે. તો બીજી તરફ જૂનાગઢ જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય અને ભાજપના આગેવાન જોલીત બુસા કોંગ્રેસમાં જોડાયા છે.
મેંદરડા તાલુકાના રાજકારણમાં મોટા ઉલટફેર વચ્ચે જોલીત બુસાએ ભારતીય જનતા પાર્ટી છોડીને ફરી કોંગ્રેસમાં ’ઘર વાપસી’ કરી છે. તેમણે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું કે ભાજપ ’લોકચાહના’ વાળા ઉમેદવારોની વાતો કરે છે, પરંતુ હકીકતમાં તે ખોટું છે. તેમના મતે, ઇકોઝોન મુદ્દે ખેડૂતોનો અવાજ ઉઠાવવો ધારાસભ્ય અરવિંદ લાડાણીને પસંદ ન પડતા, તેને ટિકિટ કાપીને માનીતાઓને ટિકિટ આપી છે.
જોલીત બુસાએ સ્પષ્ટ કર્યું કે, તેઓ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોમાંથી અગાઉ વિજેતા બની ચૂક્યા છે, કારણ કે તેમના વિસ્તારમાં લોકો પક્ષ કરતાં કામ કરનારા વ્યક્તિને વધુ મહત્વ આપે છે. તેમણે ભાજપના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે અને આજીવન કોંગ્રેસમાં જ રહેવાનું વચન આપ્યું છે.
આગામી ચૂંટણી અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે તેઓ 27-સાસણ બેઠક પરથી ચૂંટણી લડશે. તેમને પોતાની જીત પર સંપૂર્ણ વિશ્વાસ છે અને તેમણે 2થી 5 હજાર મતોની સરસાઈથી વિજય મેળવવાનો દાવો કર્યો છે.
પૂર્વ ચેરમેનના પતિ અને પક્ષના પાયાના કાર્યકર્તા ગણાતા અર્જણભાઈ દિવરાણીયાએ પક્ષ છોડતી વખતે સનસનાટીભર્યા આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે તેઓ 1995માં કેશુભાઈ પટેલના સમયથી એટલે કે માત્ર 16 વર્ષની ઉંમરથી ભાજપમાં સક્રિય હતા. તેમની પાસે તે સમયની 5 રૂૂપિયાની સભ્ય ફીની પહોંચ પણ હજુ સચવાયેલી છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે, ધંધુસર બેઠક પર ટિકિટ ન મળતા આ નારાજગી ઉભી થઈ છે.
ભાજપે ધંધુસર બેઠક માટે સોનલબેન દિવરાણીયાને મેદાનમાં ઉતાર્યા છે. બીજી તરફ, સાકરબેન અને અર્જણભાઈનું માનવું છે કે પક્ષમાં વફાદાર કાર્યકર્તાઓને બદલે આયાતી અથવા ચોક્કસ જૂથના લોકો પર પસંદગી ઉતારવામાં આવી રહી છે. ખાસ કરીને શાપુર બેઠક પર ઇન્દુબેન ભરતભાઈ ચાવડાની પસંદગી પણ ચર્ચાનો વિષય બની છે, કારણ કે તેમના પતિ ભરતભાઈ ચાવડા 2020-25 દરમિયાન કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા અને બાદમાં ભાજપમાં જોડાયા હતા.
જિલ્લા પંચાયતના ઉમેદવારોની યાદી
કણઝા બેઠક: ભીમભાઈ ડાંગર
શાપુર બેઠક: ઇન્દુબેન ભરતભાઈ ચાવડા
ભેસાણ બેઠક: ડો. આકાશ કોરાટ
ધંધુસર બેઠક: સોનલબેન દિવરાણીયા
માળીયા હાટીના બેઠક: જીતુ સિસોદિયા
અમરાપુર બેઠક: નિમુબેન ચૌહાણ
કુકસવાડા બેઠક: અસ્મિતાબેન ચૌહાણ
જૂથળ બેઠક: કાથડભાઈ સિંધવ

