જામકંડોરણાના સાતાદોડ ગામે પરિવારની જમીન બાબતે ડખ્ખો, આર્મી જવાન અને કાકા વચ્ચે મારામારી

વડીલોપાર્જીત જમીન ઉપર કબજા મામલે બન્ને પરિવાર વચ્ચે મારામારી, સામસામે ફરિયાદ જામકંડોરણા તાલુકાના સાતોદડ ગામે ખેતીની જમીનના માલિકી હક્ક બાબતે આર્મીના જવાન અને તેના કાકા…

વડીલોપાર્જીત જમીન ઉપર કબજા મામલે બન્ને પરિવાર વચ્ચે મારામારી, સામસામે ફરિયાદ

જામકંડોરણા તાલુકાના સાતોદડ ગામે ખેતીની જમીનના માલિકી હક્ક બાબતે આર્મીના જવાન અને તેના કાકા વચ્ચે ગંભીર વિવાદ અને બોલાચાલી થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. સાતોદડ ગામની સીમમાં આવેલી કરોડોની જમીન પર ટ્રેક્ટર ચલાવવા અને ખેડ કરવા બાબતે થયેલી આ માથાકૂટમાં સામસામે આક્ષેપો સાથે જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, સાતોદડ ગામના બસ સ્ટેન્ડ પાસે રહેતા અને ખેતીકામ કરતા કેશરીસિંહ ઉર્ફે કાનો ધર્મેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ. 28) એ જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તેમના કાકા રઘુવીરસિંહ જીવુભા જાડેજા પાસેથી તેમના પિતા ધર્મેન્દ્રસિંહ જીવુભા જાડેજાને સાતોદડ ગામની ’વીરડા વાડી’ તરીકે ઓળખાતી સીમમાં આવેલી મવેડી વાડીની ખેતીની જમીન (સર્વે નંબર-95 પૈકી 2) નું વીલ તારીખ 30/10/2023 ના રોજ કરી આપવામાં આવ્યું હતું. ત્યારથી તેઓ આ જમીનમાં વાવેતર કરતા હતા. ગઈ તારીખ 20/06/2026 ના રોજ સવારે કેશરીસિંહ અને તેમના પિતા ધર્મેન્દ્રસિંહ ટ્રેક્ટર લઈને આ જમીન ખેડવા ગયા હતા. તે દરમિયાન તેમના કાકાના દીકરા બી.એસ.એફ.-46 બટાલીયન, સિલીગુડી, પશ્ચિમ બંગાળમાં નોકરી કરતા આર્મી જવાન રાજદીપસિંહ અજીતસિંહ જાડેજા છે ત્યાં આવી પહોંચ્યા હતા અને ઝગડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

સામા પક્ષે બી.એસ.એફ.-46 બટાલીયન, સિલીગુડી, પશ્ચિમ બંગાળમાં નોકરી કરતા આર્મી જવાન રાજદીપસિંહના જણાવ્યા મુજબ જમીન તેના પિતાએ કાકી કૈલાશબા રધુવીરસિંહ જીવુભા જાડેજા પાસેથી સાતોદડ ગામની વીરડા વાડી નામની સીમમાં આવેલ મવેડી વાડીની ખેતીની જમીનમાં સર્વે નંબર-95 પૈકી 2 ની ખેતીની જમીન ગઇ તારીખ-28/06/2025ના રોજ વેચાણ દસ્તાવેજથી ખરીદ કરેલ હોય,અને ફરીયાદી તે જમીને કામકાજ માટે જતા ધર્મેન્દ્રસિંહ જીવુભા જાડેજા તથા કેશરીસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજાએ એકદમ ઉશ્કેરાઇ ફરયાદીને મનફાવે તેમ ગાળો આપી, આર્મીમેન તથા તેના પિતાને આ જમીનમાં આવ્ય છો પતાવી દેવાની ધમકી આપી હતી. ઘટના દરમિયાન વચ્ચે પડેલા અન્ય સંબંધીઓ જયપાલભાઈ જીવુભા જાડેજા તથા જગદીશસિંહ જયેન્દ્રસિંહ જાડેજાએ મામલો થાળે પાડ્યો હતો. હાલમાં જામકંડોરણા પોલીસે બન્ને પક્ષોની ફરિયાદને આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.