આંબરડી સફારી પાર્કના ત્રણ આઉટસોર્ષ કર્મીઓની હકાલપટ્ટી

અમરેલી જિલ્લાના ધારી નજીક ગીર પૂર્વ વન વિભાગ હેઠળ કાર્યરત આંબરડી સફારી પાર્કમાં ખુદ વનકર્મીઓ દ્વારા જ સિંહની પાછળ બાઈક અને બોલેરો કાર બેફામ દોડાવીને…

અમરેલી જિલ્લાના ધારી નજીક ગીર પૂર્વ વન વિભાગ હેઠળ કાર્યરત આંબરડી સફારી પાર્કમાં ખુદ વનકર્મીઓ દ્વારા જ સિંહની પાછળ બાઈક અને બોલેરો કાર બેફામ દોડાવીને સાવજને પરેશાન કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થતાં વનમંત્રી દ્વારા તપાસના આદેશો અપાયા હતા અને તાબડતોબ આઉટ શોર્ષના 3 કર્મચારીને છૂટા કરી દેવામાં આવ્યા હતા.

દિવાળીના તહેવારો અને વેકેશનની મોસમ દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ સિંહોના દર્શન માટે અહીં આવતા હોય છે, ત્યારે આ વાયરલ વીડિયોએ વન વિભાગની આંતરિક કામગીરી અને સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ખડા કર્યા છે. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે 2 થી 3 બાઇક સવારો અને એક બોલેરો ગાડી સિંહની આગળ-પાછળ ફિલ્મી અંદાજમાં દોડાવીને તેને રોકવાનો અને હેરાન કરવાનો નાપાક પ્રયાસ કરી રહ્યા છે. ખાસ નિયમો મુજબ સફારી પાર્કમાં કોઈપણ પ્રકારના ખાનગી કે અનધિકૃત વાહનો પર સખત પ્રતિબંધ હોવા છતાં જવાબદાર વન વિભાગના ટ્રેકર્સ અને ગાર્ડ્સ ખુદ બાઈક દોડાવી રહ્યા હોવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો હતા.

આ સમગ્ર મામલો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં અને વિવાદ વણસતા ગાંધીનગર ખાતે બેઠેલા વન વિભાગના વડા PCCF (અગ્ર મુખ્ય વન સંરક્ષક) જયપાલસિંહ રાઠોડ દ્વારા તાત્કાલિક ગંભીર નોંધ લેવામાં આવી હતી. પ્રાથમિક વિગતો મુજબ આ વીડિયો થોડો જૂનો હોવાનું સામે આવ્યું છે, પરંતુ તેમાં સ્પષ્ટપણે વન વિભાગના ગાર્ડ અને ટ્રેકર્સ જ સંડોવાયેલા દેખાઈ રહ્યા હોવાથી વહીવટી તંત્ર દ્વારા આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવાના સત્તાવાર આદેશ આપવામાં આવ્યા હતા અને ત્રણ આઉટશોર્ષ કર્મચારીઓની હકાલપટ્ટી કરી દેવામાં આવી છે.

જ્યારે આ મામલે તપાસ પૂર્ણ થતાં જ દોષિત પૂરવાર થનાર તમામ વનકર્મીઓ અને કર્મચારીઓ સામે ખાતાકીય તપાસ કરીને અત્યંત આકરી શિસ્તભંગની તેમજ કાનૂની દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેવી વન વિભાગ દ્વારા ખાતરી આપવામાં આવી છે.