Site icon Gujarat Mirror

MS યુનિવર્સિટીના ‘સંસ્કાર સંગમ’ કાર્યક્રમમાં ‘સંસ્કારોનું ચીરહરણ’

ABVPના કાર્યક્રમમાં રજિસ્ટ્રેશન વગર વિદ્યાર્થિનીએ ‘ધક ધક કરને લગા’ ડાન્સ કરી લીધો, વીડિયો વાયરલ થતાં ભારે હોબાળો

વડોદરાની પ્રતિષ્ઠિત મહારાજા સયાજીરાવ (MS) યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. યુનિવર્સિટીના સી.સી. મહેતા ઓડિટોરિયમમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા આયોજિત ’સંસ્કાર સંગમ’ કાર્યક્રમમાં એક વિદ્યાર્થિનીના ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. આ મામલે NSUI અને શિક્ષણ જગતમાં આકરી ટીકાઓ થઈ રહી છે.

એમ.એસ. યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીની એક વિદ્યાર્થિનીએ ABVPના ત્રિ-દિવસીય ’સંસ્કાર સંગમ’ ફેસ્ટ દરમિયાન બોલિવૂડના જાણીતા ગીત ધક ધક કરને લગા પર ડાન્સ પરફોર્મન્સ આપ્યું હતું. આ ડાન્સનો વીડિયો વાયરલ થતા જ લોકોએ તેને યુનિવર્સિટીની ગરિમા અને સંસ્કારી નગરીની ઓળખને લાંછન લગાડનારું ગણાવ્યું છે.

આ ઘટના અંગે NSUIના પ્રમુખ અમર વાઘેલાએ આકરા શબ્દોમાં ટીકા કરતા જણાવ્યું હતું કે, “MS યુનિવર્સિટી એ વિદ્યાનું ધામ છે, મનોરંજન કે અશ્ર્લીલતાનું નહીં. સંસ્કારના નામે યોજાયેલા કાર્યક્રમમાં આવું કૃત્ય અત્યંત શરમજનક છે.” જવાબદારો સામે કડક કાર્યવાહી ન થાય તો એનએસયુઆઇએ આંદોલનની પણ ચીમકી આપી છે.વિવાદ વકરતા ABVPના પ્રમુખ વેદ ત્રિવેદીએ સ્પષ્ટતા કરી હતી કે, ’સંસ્કાર સંગમ’ ફેસ્ટમાં કુલ 140 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાં ટ્રેડિશનલ ડાન્સ, નાટક અને વોક જેવા કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. જોકે, જે વિદ્યાર્થિનીનો વીડિયો વાયરલ થયો છે, તેણે આ કાર્યક્રમ માટે કોઈ રજિસ્ટ્રેશન કરાવ્યું નહોતું. તેણી કાર્યક્રમમાં બ્રેક દરમિયાન પોતાની રીતે પર્ફોર્મ કરવા સ્ટેજ પર આવી હતી, જેમાં સંગઠનની કોઈ ભૂમિકા નથી.

આ સમગ્ર વિવાદ અંગે જ્યારે એમ.એસ. યુનિવર્સિટીના રજિસ્ટ્રાર કે.એમ. ચુડાસમા અને આર્ટ્સ ફેકલ્ટીના ડીનનો ટેલિફોનિક સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારે તેમણે ફોન ઉપાડવાની તસ્દી સુધ્ધાં લીધી ન હતી. યુનિવર્સિટીના જવાબદાર વહીવટકર્તાઓનું આવું મૌન અનેક તર્ક-વિતર્ક જગાવી રહ્યું છે. ત્યારે સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે, વડોદરાની આ ઐતિહાસિક વિરાસત અને શિક્ષણના પવિત્ર ધામમાં ’સંસ્કાર’ના નામે થતી આવી પ્રવૃત્તિઓ પર રોક ક્યારે લાગશે? શું સત્તાધીશો આ પ્રકારના વિવાદાસ્પદ કૃત્યો સામે કડક વલણ અપનાવશે કે પછી મૌન સેવીને આવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતા રહેશે.

Exit mobile version