Site icon Gujarat Mirror

દિશા વાકાણી (દયાભાભી)ના પિતા નાટયકાર ભીમ વાકાણીનું 84 વર્ષની વયે દુ:ખદ નિધન

ગુજરાતી નાટકો જ નહીં બોલિવૂડની બ્લોકબસ્ટર ફિલ્મોમાં અભિનયના કમણ પાથર્યા હતા

ગુજરાતી રંગભૂમિના એક સુવર્ણ યુગનો આજે અંત આવ્યો છે. જાણીતા અભિનેતા અને નાટ્યકાર ભીમ વાકાણીએ 84 વર્ષની વયે આજે મંગળવારે વહેલી સવારે અંતિમ શ્વાસ લેતા કલા જગતમાં ક્યારેય ન પુરાય તેવી ખોટ પડી છે. ટેલિવિઝન જગતની સુપરહિટ સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેન અને સુંદરલાલના પાત્રથી લોકપ્રિય બનેલા દિશા વાકાણી અને મયુર વાકાણીના પિતાના નિધનના સમાચારથી પરિવાર સહિત સમગ્ર ફિલ્મ અને નાટ્ય જગત સ્તબ્ધ થઈ ગયું છે.

ભીમ વાકાણી અભિનય ક્ષેત્રનું એક અત્યંત સન્માનિત અને જાણીતું નામ હતું. તેમણે માત્ર ગુજરાતી નાટકોમાં જ નહીં, પરંતુ બોલિવૂડની બ્લોકબસ્ટર ફિલ્મોમાં પણ પોતાની અભિનય ક્ષમતાનો પરિચય આપ્યો હતો.
તેમણે આમિર ખાનની ઓસ્કર નોમિનેટેડ ફિલ્મ ’લગાન’ અને શાહરૂૂખ ખાનની ક્લાસિક ફિલ્મ ’સ્વદેશ’માં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત ’લજ્જા’ અને ’વન્સ અપોન અ ટાઇમ ઇન ઇન્ડિયા’ જેવી ફિલ્મોમાં પણ તેઓ મોટા પડદા પર જોવા મળ્યા હતા. તેમના નિધનના સમાચાર વહેતા થતા જ સોશિયલ મીડિયા પર ચાહકો અને કલા જગતના સાથીદારો તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે.

મયુર વાકાણીએ સોશિયલ મીડિયાના માધ્યમથી આ દુ:ખદ જાણકારી આપતા જણાવ્યું હતું કે, પ્રસિદ્ધ નાટ્યકાર અને અભિનેતા ભીમ વાકાણી આજે સવારે ’અરિહંત શરણ’ પામ્યા છે. તેમના પાર્થિવ દેહની અંતિમયાત્રા આજે બપોરે 2:30 વાગ્યે તેમના નિવાસસ્થાનેથી નીકળી હતી.

ત્યારબાદ અમદાવાદના થલતેજ સ્મશાનગૃહ ખાતે શાસ્ત્રોક્ત વિધિ સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ભીમ વાકાણીના નિધનથી વાકાણી પરિવારમાં ઊંડો શોક વ્યાપી ગયો છે. તેમણે પોતાના જીવનકાળ દરમિયાન અનેક શિષ્યો અને કલાકારોને અભિનયના પાઠ ભણાવ્યા હતા, જે આજે ફિલ્મ અને ટેલિવિઝન જગતમાં નામ કમાઈ રહ્યા છે. તેમના જવાથી ગુજરાતી રંગભૂમિએ એક મજબૂત આધાર સ્તંભ ગુમાવ્યો છે.

Exit mobile version