રાજકોટ જીલ્લામાં લોકોના જનઆરોગ્ય સાથે ચેડાં કરતા અને ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા તત્વો સામે રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમ એક્શન મોડમાં આવી છે. એસઓજીએ ગોંડલ તાલુકાના ભોજપરા ગામની સીમમાં એક કારખાનામાં દરોડો પાડી ચાલી રહેલા નકલી અને ભેળસેળયુક્ત(ડિસ્કો તેલ) બનાવવાનું મોટું રેકેટ ઝડપી પાડી અલગ અલગ બ્રાંડના વિવિધ 2995 કિલો ખાદ્ય તેલનો મોટો જથ્થો કારખાના માંથી કબજે કરી વેપારીની ધરપકડ કરી હતી.
રાજકોટ ગ્રામ્ય એસઓજીના પી.આઈ એ.એફ.પારગી અને પીએસઆઈ જી.જે.ઝાલા, એ.એસ.આઇ. વિઠ્ઠલભાઈ ગુજરાતી અને તેમની ટીમ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી અને ચોક્કસ સૂચના આધારે બાતમી મળી હતી કે ગોંડલ તાલુકાના ભોજપરા ગામની સીમમાં આવેલ પ્લોટ નં. 59/7/1 માં ’મુરલીધર પ્રોટીન્સ’ નામના શેડમાં મોટા પાયે ખાદ્ય તેલમાં ભેળસેળ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરવામાં આવી રહ્યા છે.
બાતમી મળતાની સાથે જ એસઓજીની ટીમે ફૂડ સેફ્ટી ઓફિસર રાજકોટ ને સાથે રાખીને ’મુરલીધર પ્રોટીન્સ’ નામના શેડ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન કારખાના માંથી મોટા પ્રમાણમાં જુદી જુદી બ્રાન્ડના નામે તૈયાર કરવામાં આવતું શંકાસ્પદ ભેળસેળ યુક્ત (ડિસ્કો ખાદ્ય તેલ)તેલ મળી આવ્યું હતું. જેમાં સન ગોલ્ડ સનફ્લાવર તેલ , કિંગ સનફ્લાવર તેલ , મહારાણી કપાસિયા તેલ , સોયાબીન તેલ નો જથ્થો મળી આવ્યો હતો, આ તમામ જથ્થાના સેમ્પલ મેળવી આગળની કાયદેસરની પ્રોસેસ હાથ ધરવામાં આવી છે. આ ગેરકાયદેસર અને આરોગ્યપ્રદ તેલમાં ભેળસેળ કરવાના કૃત્યમાં સંકળાયેલા ગોંડલ મોટા દળવા, નવા બસ સ્ટેશન પાછળ રહેતા આરોપી જયદેવભાઈ પ્રભાતભાઈ ડાંગર (ઉ.વ.26)ની ધરપકડ કરવામાં આવી હતી.
જયદેવ ડાંગર સોયાબીન તેલ માંથી અલગ અલગ બ્રાંડના સિંગતેલ, સુરજમુખી, કપાસિયા અને કોર્ન ઓઈલ બનાવતો હતો. ભોજપરા ગામની સીમ માં આવેલ પ્લોટ નં.59/7/1, માં આવેલ મુરલીધર પ્રોટીન્સ નામ ના શેડમાં અલગ અલગ બ્રાંડના ખાદ્ય તેલ માં ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા વેપારી સામે પોલીસે ગુનો નોંધ્યો છે. રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની સુચનાથી એસઓજીના પી.આઈ એફ.એ. પારગી, પીએસઆઈ જી.જે.ઝાલા, એ. એસ. આઇ. વિઠ્ઠલભાઈ ગુજરાતી, દીપકભાઈ બોહરા, હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ જાડેજા, કોન્સ્ટેબલ રઘુવીરસિંહ ડોડિયા તેમજ કોન્સ્ટેબલ નવદીપભાઈ બાબરીયાએ કામગીરી કરી હતી.

