રાજકોટના પ્રવાસન સ્થળો, વિકાસ કામો સહિતના મુદ્દે અધિકારીઓ સાથે કલેકટર ચર્ચા કરશે
રાજકોટ જિલ્લાની ચિંતન શિબિરનું આયોજન જિલ્લા કલેકટર પ્રભાવ જોશી દ્વારા કરવામાં આવ્યું છે. આ ચિંતન શિબિર ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ઘેલા સોમનાથ ખાતે યોજાય છે. જેમાં રાજકોટ જિલ્લાના વિકાસ અંગેનું ચિંતન કરવામાં આવશે. તેમજ જિલ્લાના પ્રવાસન સ્થળોને વેગ આપવા, પ્રવાસન સ્થળો પર સાફ-સફાઈ,નવા પ્રવાસન સ્થળનો ઉમેરો, ગ્રામ્ય વિસ્તારનો વિકાસ કઈ રીતે વધારવો અને તાલુકા વિસ્તારોમાં વિકાસ કક્ષાએ પ્રાથમિક સુવિધાઓ સ્વચ્છતા સહિતની મુદ્દા ઉપર ચિંતન કરવામાં આવશે
કલેકટર વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ઘેલા સોમનાથ ખાતે રાજકોટ જિલ્લાની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ તેમજ જિલ્લાના મામલતદાર, પ્રાંત અધિકારીઓ, અન્ય લાગતા વળગતા અધિકારીઓ સહિતના અધિકારીઓ હાજર રહેશે. તેમજ અરજદારોની કામગીરી સહેલાઈથી પૂર્ણ કરી શકે, કચેરી ખાતે કેવો અરજદારો સાથે વ્યવહાર કરવો, તેમજ જિલ્લાના અધિકારીઓની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવશે. રાજ્ય સરકારની યોજનાઓ સહિતના વિવિધ વિકાસના પ્રશ્નો અંગે પણ ચર્ચા કરવામાં આવશે.
થોડા દિવસો પહેલા સોમનાથ ખાતે રાજ્યકક્ષાના ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટ કલેકટર પ્રભાવ જોશી દ્વારા જિલ્લાના પ્રવાસન સ્થળોના વિકાસ અંગેનો પ્રોજેક્ટ રજૂ કર્યો હતો તે પ્રોજેક્ટ રાજ્યભરના કલેકટર અને પણ અમલ કરવાની સૂચના આપવામાં આવી છે. ત્યારે હવે રાજકોટ જિલ્લાની ચિંતન શિબિરનું રાજકોટ કલેકટર પ્રભાવ જોશી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેમાં પણ મુખ્યત્વે મુદ્દો પ્રવાસન સ્થળો અને સ્વચ્છતા અંગે શિબિરમાં ભાર મુકવામાં આવશે.

