જામનગરમાં વિકલાંગ મહિલાના પુરૂષ મિત્ર પર પરિવારજનો દ્વારા લાકડાના ધોકા વડે હુમલો

જામનગર શહેરના બેડેશ્વર વિસ્તારમાં રહેતી એક વિકલાંગ મહિલાએ પોતાના જ ભાઈ, ભાભી તથા પરિવારજનો સામે પોતાના મિત્ર ઉપર હુમલો કરવા તેમજ પોતાને માર મારી જાનથી…

જામનગર શહેરના બેડેશ્વર વિસ્તારમાં રહેતી એક વિકલાંગ મહિલાએ પોતાના જ ભાઈ, ભાભી તથા પરિવારજનો સામે પોતાના મિત્ર ઉપર હુમલો કરવા તેમજ પોતાને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવાના આક્ષેપ સાથે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ બનાવ અંગે લક્ષ્મીબેન પભાભાઈ લુણા, ઉંમર વર્ષ 42, રહે. એકડેએક બાપુની દરગાહ પાસે, રબારીવાસ, જામનગર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદ મુજબ તેઓ પોતાના દીકરા સાથે રહે છે અને જમણા પગમાં પોલિયો હોવાના કારણે વિકલાંગ છે. તેઓને વાલસુરા તરફથી મળતી પેન્શનના આધારે ગુજરાન ચલાવે છે.

ફરિયાદી મહિલાની ઓળખાણ આશરે છ વર્ષ પહેલાં જી.જી. હોસ્પિટલ ખાતે રાણાકંડોરણા ગામના રહેવાસી વિજયભાઈ નાથાભાઈ જોડ સાથે થઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા થઈ હતી અને વિજયભાઈ ફરિયાદીની મદદ તેમજ સારસંભાળ રાખવા અવારનવાર તેમના ઘરે આવતા હતા.

ફરિયાદ મુજબ ગઈ તા. 22/04/2026ના રોજ બપોરના સમયે વિજયભાઈ ફરિયાદીના ઘરે આવ્યા હતા. તેઓ ઘરેેથી નીકળતા સમયે ફરિયાદીના નાના ભાઈ વિક્રમ પભાભાઈ લુણાએ તેમને રોકી પોતાની બહેનના ઘરે આવવા બાબતે વાંધો ઉઠાવ્યો હતો. ત્યારબાદ ઉશ્કેરાઈ જઈ પોતાના હાથમાં રહેલા લાકડાના ધોકા વડે વિજયભાઈને માર મારવાનું શરૂ કર્યું હતું.

આ દરમિયાન અન્ય આરોપી વિજયભાઈ ભારાભાઈ લુણા પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને તેમણે પણ લાકડાના ધોકા વડે શરીર, હાથ અને પગના ભાગે માર માર્યો હતો. હુમલામાં વિજયભાઈ જોડના જમણા હાથના કોણીના ભાગે ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા પહોંચી હતી.

ફરિયાદી મહિલા પોતાના મિત્રને બચાવવા વચ્ચે પડતા આરોપી લીલાબેન આલાભાઈ લુણા તથા ભાવુબેન નિકુલભાઈ લુણાએ ફરિયાદીને પણ ઢીકા-પાટુનો માર માર્યો હતો. ત્યારબાદ આરોપી વિક્રમ લુણાએ ફરિયાદીને ગાળો આપી ધમકી ઉચ્ચારી હતી કે, આજ પછી જો આ છોકરો અહીં આવશે તો તને જીવતી નહીં મુકીશ.
ઇજાગ્રસ્ત વિજયભાઈ જોડ સારવાર માટે જી.જી. હોસ્પિટલ ખાતે ગયા હતા, જ્યાં ડોક્ટરે તેમના હાથમાં ફ્રેક્ચર હોવાનું જણાવતાં ઓપરેશન માટે દાખલ થવાની સલાહ આપી હતી. જોકે પરિવારજનો સાથે ચર્ચા કર્યા બાદ તેઓ પોતાના ગામે પરત ગયા હતા અને સારવાર ચાલુ રાખી હતી.

ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે આરોપીઓ પરિવારના સભ્યો હોવાના કારણે તરત ફરિયાદ નોંધાવવામાં આવી નહોતી. હાલ ઇજાગ્રસ્તની તબિયત સુધરતા તેઓ સાથે મળી ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ બનાવ અંગે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 117(2), 115(2), 351(3), 352 તથા જી.પી. એક્ટ કલમ 135(1) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.