‘ડિજિટલ અરેસ્ટ’ ફ્રોડ: અમદાવાદના બે કારખાનેદારો ઝડપાયા

6 ટકા કમિશનની લાલચે કરંટ એકાઉન્ટ ભાડે આપ્યું હતું; ખાતામાંથી રૂ. 2.50 કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન મળ્યા રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલી જૂની જાગન્નાથ શેરીમાં રહેતા…

6 ટકા કમિશનની લાલચે કરંટ એકાઉન્ટ ભાડે આપ્યું હતું; ખાતામાંથી રૂ. 2.50 કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન મળ્યા

રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલી જૂની જાગન્નાથ શેરીમાં રહેતા અને જનાના હોસ્પિટલના 82 વર્ષીય નિવૃત્ત સરકારી મહિલા તબીબ દમયંતીબેન વિઠ્ઠલભાઈ ગણાત્રા સાથે સાયબર ઠગોએ ’ડિજિટલ અરેસ્ટ’ના નામે રૂૂ. 58.50 લાખની ઠગાઈ આચરી હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસની ટીમે બેંક ખાતાની માહિતી અને ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં જ અમદાવાદ ખાતેથી બે આરોપીઓની ધરપકડ કરી છે.

બનાવની વિગત મુજબ, ગત તા. 21ના રોજ દમયંતીબેનને વોટ્સએપ કોલ આવ્યો હતો. કોલ કરનારે મુંબઈ કોલાબા પોલીસ સ્ટેશનના પીએસઆઈ સંજયસિંહ તરીકે ઓળખ આપી દાવો કર્યો હતો કે, મની લોન્ડરિંગના એક કેસમાં પકડાયેલા બેંક મેનેજરના ઘરેથી તેમના નામના આધાર કાર્ડ તથા એટીએમ કાર્ડ મળ્યા છે. ત્યારબાદ આરોપીઓએ યુનિફોર્મ પહેરેલા કથિત ડીસીપી સાથે વિડીયો કોલ કરાવી વૃદ્ધાને જેલમાં પૂરવાની ધમકી આપી હતી અને સિનિયર સિટીઝન હોવાથી ઘરમાં જ ’હાઉસ અરેસ્ટ’ રાખવાનું કહી પરિવારને જાણ ન કરવા દબાણ કર્યું હતું.

ત્યારબાદ મુંબઈ હાઈકોર્ટના ઓર્ડરનો ખોટો હવાલો આપીને તમામ બેંક એકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડના નાણાં ચકાસણી માટે ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું. જેથી વૃદ્ધાએ પોતાના ખાતામાંથી રૂૂ. 58.50 લાખ ટ્રાન્સફર કરી આપ્યા હતા. નાણાં મેળવ્યા બાદ આરોપીઓએ વોટ્સએપનો તમામ ડેટા ડિલીટ કરાવી બે દિવસમાં રકમ વ્યાજ સાથે પરત મળવાની ખાતરી આપી હતી. જોકે, બે દિવસ પછી પણ રકમ પરત ન મળતાં વૃદ્ધાએ સ્વજનોને વાત કરી સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને ઉચ્ચ અધિકારીઓની માર્ગદર્શન હેઠળ પીઆઈ પી.આર. ડોબરીયાની ટીમે તપાસ ચલાવીને દર્શન રમેશ મકવાણા (રહે. અમદાવાદ) અને શુભમ દિલીપ પરમાર (રહે. ભાવનગર)ને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી 4 મોબાઈલ અને 1 લેપટોપ જપ્ત કરાયા છે. આરોપીઓ અમદાવાદમાં કારખાનું ચલાવે છે અને 6 ટકા કમિશનની લાલચે પોતાની પેઢીનું કરંટ એકાઉન્ટ સાયબર ઠગોને ભાડે આપ્યું હતું. આ એકાઉન્ટમાં કુલ રૂૂ. 2.50 કરોડ જમા થયાનું ખુલ્યું છે. હાલ પોલીસે મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા તપાસ તેજ કરી છે.