ધોરાજી નજીક આવેલ ભાદર-2 ડેમમાં ઉપરવાસમાંથી સતત ભારે પાણીની આવક થતાં ડેમ પૂર્ણ સપાટીની નજીક પહોંચી ગયો છે. ડેમનું રૂૂલ લેવલ 52.50 મીટર જાળવવા માટે તંત્ર દ્વારા ડેમના પાંચ દરવાજા 1.82 મીટર (6 ફૂટ) સુધી ખોલવામાં આવ્યા છે.
હાલમાં ડેમમાંથી કુલ 40,604 ક્યુસેક પાણી ભાદર નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ભારે જાવકને કારણે ભાદર નદી બે કાંઠે વહેતી થઈ છે અને હેઠવાસના વિસ્તારોમાં સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે.
ડેમમાંથી પાણી છોડાતા ધોરાજી, ઉપલેટા, પોરબંદર અને કુતિયાણા તાલુકાના 38થી વધુ ગામોને હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. ધોરાજી તાલુકાના ભોળા, ભલ ગામડા અને સુપેડી તેમજ ઉપલેટા તાલુકાના ડુમિયાણી, ચીખલિયા, ગણોદ અને લાઠ સહિતના ગામોના લોકોને જરૂૂર જણાય તો સલામત સ્થળે ખસી જવા તેમજ નદીપટ અને નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર ન કરવા તંત્ર દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે.
આ ઉપરાંત પોરબંદર જિલ્લાના કુતિયાણા, ચૌટા, નવીબંદર અને ચીલોદરા સહિત ભાદર નદી કાંઠાના ગામોના લોકોને પણ નદી અને નાળાઓથી દૂર રહેવા રાજકોટ ફ્લડ કંટ્રોલ સેલ દ્વારા અપીલ કરવામાં આવી છે.

