સલાયામાં ગુનાઇત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો શખ્સ ઝડપાયો

ખંભાળિયા તાલુકાના સલાયા વિસ્તારમાં રહેતા એક શખ્સ સામે અગાઉ ગુજસીટોકનો ગુનો નોંધાયો હતો. આ શખ્સ દ્વારા હાઇકોર્ટની શરતો અને જાહેરનામા ભંગ સંદર્ભેના ગુનામાં સલાયા મરીન…

ખંભાળિયા તાલુકાના સલાયા વિસ્તારમાં રહેતા એક શખ્સ સામે અગાઉ ગુજસીટોકનો ગુનો નોંધાયો હતો. આ શખ્સ દ્વારા હાઇકોર્ટની શરતો અને જાહેરનામા ભંગ સંદર્ભેના ગુનામાં સલાયા મરીન પોલીસે તેની સામે કડક કાર્યવાહી કરી છે.

આ અંગે પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા શબીરહુશેન ઉર્ફે ભૂરો ગુલામહુશેન સુંભણીયા નામના શખ્સ દ્વારા અગાઉ સલાયા વિસ્તારમાં નાના-મોટા વિવિધ ગુનાઓ આચરવામાં આવતા પોલીસ કાર્યવાહી બાદ તેની સામે ગુજસીટોકની કલમ હેઠળ આકરી કાર્યવાહી કરવામાં આવી હતી.

હાલ મોહરમના તહેવારોને અનુલક્ષીને સલાયા મરીન પોલીસ મથકના પી.આઈ. જે.એમ. ચાવડાના વડપણ હેઠળ સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ઉપરોક્ત શખ્સ આવ્યો હોવાની બાતમી મળતા પોલીસે પાળેશ્વર તળાવની પાળ પાસેથી ઉપરોક્ત શખ્સને દબોચી લીધો હતો. આ શખ્સના ચેકિંગમાં તેના ખિસ્સામાંથી ત્રાંબાની મૂઠ મળી આવી હતી. આથી પોલીસે તેની સામે હથિયારબંધી જાહેરનામા ભંગ સબબ પણ કાર્યવાહી કરી હતી.

આ કાર્યવાહીમાં અહીંના ડીવાયએસપી મીત રુદલાલ અને પી.આઈ. જે.એમ. ચાવડાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના ઓમદેવસિંહ જાડેજા, પીઠાભાઈ જોગલ, કરણભાઈ સોંદરવા અને વિપુલભાઈ ડાંગર જોડાયા હતા.