ધિરેન્દ્રએ ભગવાન શ્રી કૃષ્ણની મજાક ઉડાવી ; કથાનો બહિષ્કાર કરવા આહ્વાન

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા ભગવાન શ્રી કૃષ્ણને લઈને આપવામાં આવેલું વિવાદિત નિવેદન સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં નવો વિવાદ સર્જાયો છે. કરૈરામાં કથા દરમિયાન…

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા ભગવાન શ્રી કૃષ્ણને લઈને આપવામાં આવેલું વિવાદિત નિવેદન સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં નવો વિવાદ સર્જાયો છે. કરૈરામાં કથા દરમિયાન તેમણે ભગવાન રામ અને ભગવાન કૃષ્ણની સરખામણી કરી હતી. આ સરખામણી કરતી વખતે તેમણે જે ભાષા અને શબ્દોનો ઉપયોગ કર્યો હતો, તેને લઈને સનાતનીઓ અને યાદવ સમાજમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. વિવાદ વધતાં આઝાદ સમાજ પાર્ટીના નેતા દામોદર યાદવે ધીરેન્દ્ર શાસ્ત્રી સામે નિવેદન આપીને તેમની કથાઓનો બહિષ્કાર કરવાની હાકલ કરી છે.

કથા દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીએ હસતાં હસતાં કહ્યું હતું કે, ’તમે તમારાવાળા ઠાકુરજીનો (ભગવાન કૃષ્ણની) કોઈપણ ફોટો જોઈ લો, તેઓ ઊભા રહે છે તો પણ ત્રણ જગ્યાએથી વાંકા હોય છે.’ તેમણે પોતે ડોક ત્રાંસી કરીને અભિનય કરતા કહ્યું કે, ’પગ પર પગ, કમર લચકાવીને અને ડોક ત્રાંસી કરીને વાંસળી વગાડી રહ્યા છે.
જ્યારે અમારાવાળા (ભગવાન રામ) ઊભા પણ સીધા રહે છે, તેમનું નામ પણ સીધું છે, ચાલ પણ સીધી છે અને દેખાય છે પણ સીધા.’ આ ઉપરાંત તેમણે વૃંદાવન ધામને પણ ત્રાંસું ગણાવ્યું હોવાનો આક્ષેપ છે.

બાગેશ્વર બાબાનો વિવાદિત વીડિયો વાઇરલ થતાં જ દામોદર યાદવે તેનો સખત વિરોધ કર્યો છે. તેમણે તમામ સનાતનીઓ અને યાદવ સમાજને ધીરેન્દ્ર શાસ્ત્રીની કથાઓનો બહિષ્કાર કરવા અને રાજ્યભરમાં તેમનાં પૂતળાં દહન કરવા હાકલ કરી છે. આટલું જ નહીં, તેમણે આકરી ચેતવણી આપતાં એવું પણ કહ્યું કે, જો જરૂૂર પડશે તો ધીરેન્દ્ર શાસ્ત્રીને હું મારી રીતે સુધારી લઈશ.

દામોદર યાદવે ધીરેન્દ્ર શાસ્ત્રીની સનાતન એકતા યાત્રા અને કથાઓ સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે, ધીરેન્દ્ર શાસ્ત્રીની સનાતન એકતા યાત્રા અને કથાઓ ફ્લોપ થઈ રહી છે, જેના કારણે તેઓ હતાશામાં (ફ્રસ્ટ્રેશનમાં) આવીને આવાં ઉલટાં-સુલટાં નિવેદનો આપી રહ્યા છે. જો તેમને મીડિયામાં ચર્ચામાં રહેવાનો શોખ હોય તો તેમણે કોઈ સારા અને યોગ્ય કામ કરવા જોઈએ.