Site icon Gujarat Mirror

મોબાઇલના બિલિંગમાં કાળા-ધોળા, DGGIના દરોડા

રવિવારના દિવસે જ ટુકડીઓ ત્રાટકતા સોમવારે પણ અમુક દુકાનો બંધ

ગ્રે માર્કેટમાંથી મેળવેલા મોબાઇલના ડુપ્લિકેટ બિલિંગ અંગે તપાસ

રાજકોટમાં એસ્ટ્રોન રોડ ઉપર આવેલ મોબાઇલ માર્કેટમાં ગઇકાલે રવિવારની રજાના દિવસે ડી.જી.જી.આઇ દ્વારા દરોડા પાડવામાં આવતા કેટલાક વેપારીઓ દ્વારા ટેક્સ ચોરી માટે ચાલતા ડુપ્લિકેટ બિલિંગ રેકેટ પકડાયુ હોવાનુ જાણવા મળે છે.

આ ઉપરાંત દાણચોરીથી અન્ય દેશોમાંથી મંગાવવામાં આવતા મોબાઇલ ફોનનું નકલી બિલિંગ કૌભાંડ પણ ઝડપી લેવામાં આવતા આગામી દિવસોમાં મોટી રકમનો દંડ ફટકારવામાં આવે તેવી શકયતા છે. ગઇકાલે પડેલા દરોડાના પગલે આજે પણ કેટલાક મોબાઇલના શો રૂમ અને દુકાનો બંધ જોવા મળ્યા હતા.

શહેરના જાણીતા એસ્ટ્રોન ચોક વિસ્તારમાં આવેલા મોટા મોબાઈલ શોરૂૂમ્સ પર ડી.જી.જી.આઇ વિભાગની ટીમોએ અચાનક ત્રાટકી હતી. આ કાર્યવાહીમાં ઉમિયા મોબાઈલ, જેનિસ મોબાઈલ, મેહુલ ટેલીકોમ અને ઓપો સ્ટોર જેવા પ્રતિષ્ઠિત એકમોનો સમાવેશ થાય છે. રજાના દિવસે જ થયેલી આ કાર્યવાહીને પગલે સમગ્ર શહેરના વેપારી આલમમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો અને કેટલાક વેપારીઓ દુકાનો બંધ કરીને ઘરભેગા થઇ ગયા હતા. આ અંગે મળતી વિગતો મુજબ, ડાયરેક્ટર જનરલ ઓફ ગુડઝ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કાફલા સાથેની ટીમો રવિવારે અચાનક જુદા-જુદા મોબાઈલ શોરૂૂમ પર પહોંચી હતી. અધિકારીઓએ દુકાનોમાં પ્રવેશતાની સાથે જ શટર બંધ કરાવી દીધા હતા અને અંદર તપાસ શરૂૂ કરી હતી. એસ્ટ્રોન ચોક વિસ્તારમાં રવિવાર અથવા રજાના દિવસે મોટી સંખ્યામાં ગ્રાહકો મોબાઈલની ખરીદી માટે ઉમટી પડતા હોય છે, તેવા સમયે જ રેડને કારણે ગ્રાહકોમાં પણ કુતૂહલ અને મુંઝવણ જોવા મળી હતી.

ડી.જી.જી.આઇ વિભાગ દ્વારા આ તપાસ મુખ્યત્વે કરચોરીના શંકાસ્પદ વ્યવહારોને લઈને કરવામાં આવી રહી છે. વિભાગને આશંકા છે કે આ શોરૂૂમ્સમાં બિલ વિનાના મોબાઈલ ફોનનું વેચાણ, જૂના મોબાઈલના વ્યવહારોમાં કરની ચોરી અને અન્ય નાણાકીય અનિયમિતતાઓ આચરવામાં આવી રહી છે. અધિકારીઓ દ્વારા હાલમાં વેચાણના બિલો, જીએસટી રિટર્ન અને ફિઝિકલ સ્ટોકનું મિલાન કરવામાં આવ્યુ હતું.

Exit mobile version