રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લામાં આવેલું શ્રી સાંવરીયા શેઠ મંદિર આજે સમગ્ર ભારતમાં આસ્થાનું એક મોટું કેન્દ્ર બની ગયું છે. લોકો અહીં પોતાની મન્નત પૂર્ણ કરવા માટે અવનવી ચીજવસ્તુઓ દાનમાં આપે છે, પરંતુ હાલમાં જે ઘટના સામે આવી છે તેણે સૌને ભાવુક કરી દીધા છે. સાંવરીયા શેઠના ઇતિહાસમાં પ્રથમવાર એક ભક્તે ભગવાનને 197 ગ્રામ વજનનું શુદ્ધ ચાંદીનું હૃદય અને ચાંદીનો નલકૂપ અર્પણ કરીને આસ્થાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આ દાન પાછળ એક અત્યંત સંવેદનશીલ કહાની છે. સ્થાનિક રહીશ અને વાટિકા સંચાલક બાલમુકુંદ તિવારીને બે વર્ષ પહેલા અચાનક ગંભીર હૃદયરોગનો હુમલો આવ્યો હતો. તેમની હાલત એટલી નાજુક હતી કે તેમને તાત્કાલિક પહેલા ઉદયપુર અને ત્યારબાદ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા. ત્યાંના ડોક્ટરોએ જણાવ્યું હતું કે, તેમને બચાવવા માટે બાયપાસ સર્જરી કરવી અનિવાર્ય છે. પરિવાર માટે આ કપરો કાળ હતો. હોસ્પિટલના ઓપરેશન થિયેટરની બહાર ઉભેલા પરિવારે નિરાશાના માહોલમાં સાંવરીયા શેઠને સાદ પાડ્યો અને મન્નત માંગી કે જો તેમના પિતા સફળ ઓપરેશન બાદ હેમખેમ ઘરે પરત ફરશે, તો તેઓ ભગવાનને ચાંદીનું હૃદય અર્પણ કરશે. ભગવાનની અસીમ કૃપાથી સર્જરી સફળ રહી અને બાલમુકુંદ તિવારી આજે સંપૂર્ણ સ્વસ્થ છે. આ ખુશીમાં તેમના સંતાનો અને સમગ્ર પરિવારે બાજા-ગાજા સાથે મંદિરે પહોંચી પોતાની મન્નત પૂર્ણ કરી હતી.
એક તરફ ભક્તિ છે, તો બીજી તરફ સાંવરીયા શેઠના દાનપેટીમાં ભક્તો દ્વારા કરવામાં આવતા દાનનો આંકડો પણ આશ્ચર્યજનક છે. તાજેતરમાં ખોલવામાં આવેલા માસિક ભંડારાની ગણતરીમાં ચાર તબક્કા પૂર્ણ થયા છે. આ ચાર તબક્કાઓમાં જ કુલ 25 કરોડ 16 લાખ 10 હજાર 100 રૂૂપિયાની માતબર રકમ એકઠી થઈ છે. 180 થી વધુ કર્મચારીઓ અને મંદિર મંડળના સભ્યોની દેખરેખ હેઠળ આ દાનની ગણતરી છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહી છે.
નોંધનીય છે કે, ગયા મહિને જ આ મંદિરમાં 42 કરોડ રૂૂપિયાથી વધુનું દાન મળ્યું હતું, જે એક મહિનામાં મળેલા દાનનો અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ છે. આ ભંડારામાં રોકડ રકમ ઉપરાંત સોના-ચાંદીના આભૂષણો અને વિદેશી મુદ્રા પણ મોટી માત્રામાં મળી આવે છે. સાંવરીયા શેઠ પ્રત્યેનો ભક્તોનો આ અતૂટ વિશ્વાસ જ દર્શાવે છે કે મંદિરની આસ્થા માત્ર રાજસ્થાન પૂરતી સીમિત નથી, પરંતુ સમગ્ર દેશના શ્રદ્ધાળુઓ અહીં પોતાના દુ:ખ દૂર કરવા અને આભાર વ્યક્ત કરવા માટે આવે છે. ભક્તોનું માનવું છે કે અહીં જે પણ શ્રદ્ધાથી માંગવામાં આવે છે, તે અવશ્ય પૂર્ણ થાય છે.
