ગુજરાત
વિકાસ માટે પર્યાવરણનો વિનાશ: પાંચ વર્ષમાં 10 લાખ વૃક્ષો કાપ્યા
એક તરફ સમગ્ર ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 10 લાખથી વધુ ઝાડને કાપી નાખવા માટે અધિકૃત સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવેલી છે અને બીજી તરફ સમગ્ર ગુજરાતમાં ગ્રીન કવર ઓછું થતું જાય છે ત્યારે કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના બાડા તેમજ આજુ બાજુના ગામડાઓમાં સ્થાનિક લોકોની લાગણી અને માંગણી છે કે માંડવી તાલુકાના 10 ગામડાઓના પર્યાવરણ અને દરિયાઈ જીવ-સૃષ્ટિ તેમજ ખેતી અને પશુપાલન નેસ્તો-નાબૂદ ના થાય તે હેતુથી જીએચસીએલ કંપનીને જમીન અને અન્ય મંજૂરી આપવામાં આવે નહીં. જીએચસીએલ કંપની સામે સ્થાનિક સ્તરે આજુબાજુના બધા જ ગામડાઓની પ્રજામાં ખુબ વિરોધ છે.
માંડવીમાં ગામડાઓમાં સમૃદ્ધ અને સારી બાગાયતી અને વરસાદી એમ બેઉ પ્રકારની પ્રાકૃતિક ખેતી અને પશુપાલનના રોજગાર છે તેમજ 40 કિલોમીટર પર મુંદ્રા બંદર છે જેમાં લોકો સારી એવી રોજગારી અને સ્થાનિક નાના મોટા વ્યવસાય મેળવે જ છે. આ કંપની આવવાથી સ્થાનિક લોકો માટે કોઇ નવી રોજગારી ઉભી નહીં થાય પરંતુ જે અત્યારે રોજગારી છે તે પણ છીનવાઇ જશે. કંપનીની લોક સુનાવણી બાબતે એટલો મોટો વિરોધ અને લોકજુવાળ ઉપડયો હતો કે એક વખત લોક સુનવણી રદ કરવામાં આવી. ત્યારબાદ બીજી વખત કંપનીના પર્યાવરણ રિપોર્ટમાં અનેક અધુરપો હોવા છતાં જોહુકમી અને પોલીસ બળ દ્વારા બીજી વખત લોક સુનાવણી કરવામાં આવી જેમાં 5000થી વધુ લોકોએ પોત પોતાની રીતે વિરોધ નોંધાવેલ હતો.
વૈકલ્પિક દ્રષ્ટીએ જોતાં પણ માંડવી તાલુકો પર્યટન તરીકે વિકસે એવી કુદરતી સુંદરતા છે. તાજેતરમાં માંડવીમાં દરિયા કિનારાના 2 બીચનો વિકાસ કરવા પહેલ થયેલી છે જેમાં એક માંડવી શહેર નજીકનો દરિયાકિનારો છે અને બીજો આસાર માતા (નાના લાયજા) નજીકનો બીચ (દરિયાકિનારો) છે. આસાર માતા બીચ આ કંપની પ્રસ્તાવિત જગ્યાની પસળ ત્રિજ્યામાં આવે છે તેથી જો કંપનીનું કારખાનું બનાવવામાં આવે તો પર્યટન માટે આ બીચ કોઇજ કામનો રહેશે નહિ. આ વિસ્તારમાં પહેલેથી કોઇ રસાયણ આધારિત ઉદ્યોગ નથી કે સોડાએસ બનાવવા માટેનો જરૂૂરી કાચો માલ આ તાલુકામાં મળી નથી આવતો. તેમ છતાં જીએચસીએલ કંપની સોડાએસ બનાવવા માટેનો પ્રોજેક્ટ નાખવા હિલચાલ કરી રહી. છે. સોડાએસ બનાવવાની પ્રક્રિયામાં માટે લાઈમ સ્ટોન, મીઠું અને કોલસો જરૂૂરી છે જે આ તાલુકામાં ઉપલબ્ધ નથી.કાચો માલ (લાઇમ સ્ટોન, મીઠું, અને કોલસો) પરિવહન દ્વારા આ કારખાના માટે અહીં લઇ આવવામાં આવે તો તે પણ વચ્ચે આવતા બધા વિસ્તારો માટે પ્રદૂષણકારી અને જોખમી છે.
જીએચસીએલનો હાલમાં કાર્યરત સુત્રાપાડા વિસ્તારનો પ્લાન્ટ દરિયાઈ પર્યાવરણ અને ત્યાની ખેતીને ખુબજ નુકશાન કરી તદ્દન વિનાશના આરે લાવી દીધો છે, માંડવીના ગ્રામજનોએ નજરે જોઈ અને વિડીયોગ્રાફી કરી હતી જેમાં કંપનીની ફેક્ટરીના આજુબાજુના કિલોમીટરના વિસ્તારમાં ગાંડો બાવળ પણ ઉગતો બંધ થઈ ગયો છે અને ગટરોમાં ગેસ નીકળી રહ્યો છે તથા આજુબાજુના ગ્રામજનો કેન્સર જેવી બીમારીના ભોગ બન્યા છે વળી સુત્રાપાડામાં જીએચસીએલ કંપની ગુજરાત સરકારના જીપીસીબી બોર્ડની આપેલી નોટિસોની પણ સરેઆમ અવહેલના કરી રહી છે.પર્યાવરણની દ્રષ્ટીએ કચ્છ અત્યંત નાજુક પર્યાવરણ ધરાવે છે અને અનેક પશુ પક્ષીઓની જાતિ પ્રજાતીઓનું ઘર છે. કચ્છમાં ઉદ્યોગો માટે કંડલા અને મુંદ્રા પોર્ટ પાસે પુરતી જમીન ઉપલબ્ધ છે અને જ્યાં ઘણા ઉદ્યોગ હાલમાં કાર્યરત્ત છે. આવા ઔદ્યોગીક માળખા વાળા વિસ્તારોને અવગણી અને બાડા નજીક કારખાનું નાંખવું એ પર્યાવરણ માટે અત્યંત ઘાતક અને દુર્ભાગ્ય પૂર્ણ ઘટના બનશે.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પર્યાવરણ બચાવવાની આ મુહીમમાં સ્થાનિકોની સાથે છે અને સરકારને અનુરોધ કરે છે કે, કચ્છમાં ગૌધન, પશુપાલન, ખેતી, પર્યાવરણ અને વિપસ્યના સેન્ટરને નાબૂદ થતું અટકાવવા માટે જી.એચ.સી.એલ કંપનીને ફાળવવામાં આવેલી જમીન તાત્કાલિક ધોરણે 2દ કરવામાં આવે.